દેહરાદૂનમાં બસ ખીણમાં પડતા એક જ ગામના ૧૧ લોકોના મોત થતા હાહાકાર

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. દેહરાદૂન નજીક વિકાસનગરમાં બસ ખીણમાં પડી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. તેમજ 4 લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

તેમની પણ હાલત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો તેમના સ્તરેથી રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનનાર યુટિલિટી વ્હીકલમાં 25 લોકો સવાર હતા. પોલીસ અને SDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતની વાત કરવામાં આવે તો આ બાયલા-બુરૈલા લિંક મોટર રોડ પર થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના રહેલા છે. જ્યારે અત્યારે આજુબાજુના ગ્રામજનો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. હાલ અકસ્માત કઈ રીતે થયો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, અકસ્માતની જાણ નજીકના ગ્રામજનો થતા જ તે ઘટના સ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન શરુ કરી દીધો હતો. ત્યાર બાદ અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

તેમ છતાં, અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. મીની બસમાં 25 લોકો સવાર હતા. જ્યારે જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર હતા. અત્યારે નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કામની કામગીરી કરવામાં આવી રહી છે.

Scroll to Top