અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૨૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બે પોલીસ કર્મી સીટ નવ લોકોના મોત નીપજ્યા છે. થાર અને ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ જેગુઆર કાર પણ ટકરાઈ હતી. એવામાં થાર કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ઊભા રહેલા લોકોને જેગુઆર કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી કારમાં કોણ સવાર હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જેગુઆર કાર અંદાજીત 160 ની ઝડપે આવી રહી હતી. આ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોનારા લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. આ લોકો 30 ફૂટ સુધી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત બંધ ઘટનાસ્થળ પર ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું. આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આ અકસ્માતના મૃતકોનાં પરિવાર દ્વારા એક જ માંગ રહેલ છે કે, તેમના સ્વજનોને મોતનો ન્યાય મળે જ્યારે એસયુવીમાં જે હતા તેને સખ્તમાં સખ્ત સજા ફટકારવામાં આવે.
આ ઘટનામાં નિરવ રામાનુજ (ઉંમર- 22 ચાંદલોડિયા), અમન કચ્છી (ઉંમર 25 – સુરેન્દ્રનગર), કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ – બોટાદ), રોનક રાજેશભાઇ વિહલપરા (ઉંમર 23 – બોટાદ), અરમાન અનિલ વઢવાનિયાં – (ઉંમર 21 સુરેન્દ્રનગર), અક્ષર ચાવડા – (ઉંમર 21 બોટાદ), ધર્મેન્દ્રસિંહ – (40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન, પોલીસકર્મી), નિલેશ ખટિક – ઉંમર 38 વર્ષીય (જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશન) મૃત્યુ નીપજ્યા છે.
ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો મિજાનભાઈ શેખ અને નારણભાઈ ગુર્જરને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે કુરેશી અલમસ્ત સોલામાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્ત કાલુપુરના રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે.