ઠાકોર પરિવાર માટે રવિવારની સવાર બની કાળમુખી, 5 લોકોના મોત

ધાનેરાથી થરાદ જતા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. એક સાથે પાંચ લોકોના મોત થતા ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આજે વધુ એક અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, મોડી રાત્રે ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકોના કરૂણ મોત થયા. લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી હતી. પૂર ઝડપે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત થયા છે.

તમામ મૃતદેહોને ધાનેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી ત્રણ પુરૂષ જ્યારે બે બાળકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોત થતાં ઠાકોર સમાજમાં માતમનો માહોલ ફેલાયો છે.

Scroll to Top