પદ્માવતી ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરવામાં આવશે, CBFC એ આપ્યું UA સર્ટિફિકેટ

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન CBFC ની કમિટીએ પદ્માવતીની સ્ટોરી રિજેક્ટ કરી હોવાની ચર્ચા વચ્ચે CBFC નું મહત્વનું નિવેદન આવ્યું છે કે આ ફિલ્મને UA સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. 28 ડિસેમ્બરે મળેલી રિવ્યુ કમિટીની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાના સૂચન આપવામાં આવ્યા છે.

CBFCએ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મનું નામ પદ્માવતીથી બદલીને ‘પદ્માવત’ કરી દેવામાં આવશે. આ સાથે જ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ફેરફાર કરાયા પછી જ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવશે. CBFC એ વધુમાં જણાવ્યું કે આ ફિલ્મમાં ફિલ્મ મેકર અને સમાજ બંનેની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હતો.

પદ્માવતીનો રિવ્યુ કરવા માટે ત્રણ સભ્યોની ખાસ પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલમાં ઉદયપુરના અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ અને જયપુર યુનિ.ના પ્રોફેસર કે.કે સિંહનો સમાવેશ થાય છે. આ પેનલના સભ્યોએ ફિલ્મમાં દર્શાવેલી ઐતિહાસિક વિગતો અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ ઉપરાંત ફિલ્મની સમાજ પર અસર અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ જ સીબીએફસીએ ફિલ્મમેકરને થોડા ફેરફાર કરીને ફિલ્મ ફરીથી દર્શાવવા સૂચન કર્યું હતુ.

રાણી પદ્મિનીના વંશજ વિશ્વરાજ સિંહે જણાવ્યું હતુ કે સેન્સરે તેમને રિવ્યુ કમિટીનો હિસ્સો બનવા આમંત્રણ આપ્યુ હતુ. વિશ્વરાજે સેન્સરની કામ કરવાની રીત પર જ પ્રશ્નો ઊઠાવ્યા હતા. સેન્સરના વડા પ્રસૂન જોશીને લખેલા બે પત્રોમાં વિશ્વરાજ સિંહે પદ્માવતીને લઈને બે પ્રશ્ન પૂછ્યા હતા, જેનો જવાબ આપવામાં આવ્યો નથી. વિશ્વરાજે પ્રશ્ન પૂછ્યો કે જો ફિલ્મના 5 મિનિટના સીનને ઠીક નથી કરી શકાતો તો પછી બે કલાકની ફિલ્મને સેન્સર કેવી રીતે કરી શકાશે?

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top