ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર, 1 થી 16 જુલાઈ સુધીમાં લેવાશે પરીક્ષા, આ બાબતનું ખાસ ધ્યાન રખાશે

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવી દીધો છે. જેના કારણે વારંવાર બોર્ડની પરીક્ષાની તારીખો બદલવાની નોબત આવી રહી છે. અંતે હવે ધોરણ 12 અને ધોરણ 10 રીપીટરના વિદ્યાર્થીઓ માટે નવો પરીક્ષા કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધોરણ 10 ના રીપીટર અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવાશે.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાના કાર્યક્રમ મુજબ 1 જુલાઇથી પરીક્ષાની શરૂઆત થશે જેમાં એક જુલાઈના રોજ ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. જ્યારે 3 જુલાઇ ના રોજ રસાયણ વિજ્ઞાન, 5 જુલાઇના જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇના ગણિતનું પેપર, 8 જુલાઇના અંગ્રેજીનું પેપર, 10 જુલાઇના ભાષાના પેપર લેવામાં આવશે. જ્યારે આ તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. આ દરમિયાન પરીક્ષાનો સમય બપોરે 2:30 થી 6 વાગ્યા સુધીનો રાખવામાં આવશે.

કોરોનાને ધ્યાનમાં રાખતા તમામ જગ્યા ઉપર કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવશે. જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ કોરોના નિયમોનું પાલન કરવું પડશે. જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર સેનેટાઈઝરની વ્યવસ્થા અને થર્મલથી ચેકિંગની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ઉપર કરાશે. નિયમો પ્રમાણ એક વર્ગખંડમાં પરીક્ષાર્થીઓની હાજરી નિયમિત કરાશે.

આ સિવાય દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવાતી હોય પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ પહેલા મે મહિનામાં પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો હતો પરંતુ કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ફરી એક વખત પરીક્ષાને સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે અત્યારના સમયગાળામાં રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા શિક્ષણ વિભાગ દ્વારા આગામી મહિને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

Scroll to Top