હત્યા પહેલાના ગ્રીષ્માના CCTV આવ્યા સામે, છેલ્લા વીડિયોમાં કોલેજમાં….

ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ફેનિલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. જેને લઇને રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. તે દિવસનો હત્યા પહેલાનો ગ્રીષ્માનો ક્લાસરૂમનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણીએ કોલેજમાં બપોરે હાજરી પુરાવી હતી અને સાંજે તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

સામે આવેલો વિડીયો કોલેજના ક્લાસરૂમના સીસીટીવીનો હોવાનું સામે આવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે, ગ્રીષ્મા તેની બહેનપણીઓ સાથે ક્લાસમાં બેઠી છે અને હાથ ઉંચો કરીને હાજરી પુરાવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હજી ફેનિલની વધુ પૂછપરછ પણ કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ગ્રીષ્મા 12 ફેબ્રુઆરીના રોજ કોલેજ ગઈ હતી. CCTV ફૂટેજમાં જોઇ શકાય છે કે, તે હાજરી માટે પોતાનો હાથ ઊંચો કરે છે. કોલેજ સ્ટાફના અનુસાર ગ્રીષ્મા એક સંસ્કારી હતી અને તે નિયમિત કોલેજ જતી અને ફરી ઘરે જતી રહેતી હતી. તેની કોઈ ફરિયાદ ક્યારે સાંભળવા મળી હોય એવું કોઈના ધ્યાન પર નથી. જ્યારે બીજી તરફ હત્યારા ફેનિલ ગોયાણી કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. એવું કહેવાય છે કે, તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત 12મી ફેબ્રુઆરીની સાંજે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માના ઘર પાસે પહોંચી જઇ હોબાળો મચાવતા સમજાવવા ગયેલા ગ્રીષ્માના ભાઈ અને મોટા પપ્પા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. વચ્ચે પડેલી ગ્રીષ્માને પકડી લઈ તેણે જાહેરમાં જ તેણીનું ગળું કાપી હત્યા કરી નાખ્યા બાદ પોતે હાથની નસ કાપી અને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સારવાર બાદ તે સાજો થઈ જતાં પોલીસે કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

Scroll to Top