ગયા વર્ષે ઝૂમ કોલ પર મીટિંગ દરમિયાન અચાનક એક સાથે 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપવા બદલ ટીકાનો સામનો કરનારા ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગે બુધવારે ફરીથી ચાર્જ સંભાળ્યો હતો. વિશાલ ગર્ગ ઓનલાઈન લોન કંપની ‘Better.com’ના CEO છે. ઝૂમ મીટિંગ દરમિયાન વિશાલ ગર્ગે કર્મચારીઓને કાઢી મૂકવા માટે જે રીતે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના માટે ટીકાનો સામનો કર્યા પછી તે લાંબી રજા પર ગયો હતો.
હાલમાં, કંપની તરફથી બુધવારે જાહેરાત કરવામાં આવી છે કે CEO વિશાલ ગર્ગ તેમના પદ પર પરત ફરી રહ્યા છે. એક અહેવાલમાં કંપનીના બોર્ડ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈમેલને ટાંકવામાં આવ્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘જેમ તમે જાણો છો, બેટરના CEO, વિશાલ ગર્ગ, તેમના નેતૃત્વને રિફ્લેક્ટ કરવા માટે તેમની પૂર્ણ-સમયની ફરજોમાંથી બ્રેક લઈ રહ્યા હતા. તેમને કંપની સાથે ફરીથી જોડવામાં આવી રહ્યા છે.’ નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ‘અમને વિશ્વાસ છે. વિશાલ અને તે જે પ્રકારનું નેતૃત્વ, ધ્યાન અને વિઝન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, એ તેમણે આ નિર્ણાયક સમયે સુધારવાની જરૂર છે.’
એક અહેવાલમાં જણાવાયું છે કે કર્મચારીઓને લખેલા એક અલગ પત્રમાં વિશાલ ગર્ગે કહ્યું, ‘હું સમજું છું કે આ છેલ્લા કેટલાક અઠવાડિયા કેટલા મુશ્કેલ રહ્યા છે. મારા કામને કારણે થયેલા ગુસ્સે, મૂંઝવણ અને શરમ માટે હું ખૂબ જ દિલગીર છું. એક કંપની તરીકે આપણે ક્યાં છીએ અને કેવા પ્રકારનું નેતૃત્વ વધુ સારું છે અને મારે કેવા પ્રકારનો નેતા બનવું જોઈએ તે વિશે વિચારવામાં મેં ઘણો સમય પસાર કર્યો છે.’
જો કે, વિશાલ ગર્ગે જે રીતે કંપનીના લગભગ નવ ટકા કર્મચારીઓને હટાવવાનો આદેશ આપ્યો હતો તેના માટે તેણે પહેલેથી જ માફી માંગી લીધી છે. તમને જણાવી દઈએ કે Better.com એક અમેરિકન કંપની છે, જે ગ્રાહકોને ઓનલાઈન લોન આપે છે. તેના CEO વિશાલ ગર્ગ ભારતીય મૂળના વ્યક્તિ છે. વિશાલ ગર્ગે ગયા વર્ષે ઝૂમ મિટિંગ દરમિયાન કંપનીના 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, જેના માટે તેમની ખૂબ ટીકા થઈ રહી હતી. આ દરમિયાન હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે તેના માટે માફી પણ માંગી હતી.