લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડી, એક યુવતીના અઢાર યુવકો સાથે લગ્ન કરાવી છેતરપિંડી

  • ગેંગની અમદાવાદી સૂત્રધાર સહિત ઝડપાયેલા પાંચ આરોપીને રિમાન્ડ બાદ કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયા.

જૂનાગઢ તાલુકા આંબલીયા ગામના યુવાન સાથે લગ્નના નામે છેતરપીંડી આચરનાર ગેંગના 3 મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મંજુર થતા તેમની પુછપરછમાં આંબલીયાના યુવાન ઉપરાંત અન્ય 18 યુવકો સાથે લગ્નના નામે છેતરપીંડી કર્યાની કબૂલાત આપી છે.

રિમાન્ડ બાદ પાંચેય આરોપીઓને જેલહવાલે કરાયા છે. જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામના વતની અને ખેતીકામ કરતા યુવાન સતિષભાઈ સવજીભાઈ પટોળીયાની ફરીયાદ આધારે ખોટા નામ આપી, ખોટા પુરાવાઓ આપી, ગુન્હાહિત કાવતરું રચી, લગ્ન કરવાના બહાને છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધી, આરોપીઓ હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન પ્રકાશસિંહ મોહનસિંહ વાઘેલા (ઉ.વ. 50) અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો પ્રકાશસિંહ મોહનસીંહ વાઘેલા (ઉ.વ. 21), (રહે. બન્ને અમદાવાદ કુબેરનગર, છારાનગર મામાની ચાલી) અનિરુદ્ધસિંહ ઉર્ફે મુન્નાભાઈ ખુમાનસિંહ ગોહીલ (ઉ.વ. 40) (રહે. ઉખરંલાગામ તા.ઘોઘા.જી.ભાવનગર) ભરતભાઈ ગીરધરભાઈ મહેતા (ઉ.વ.52) તથા અરુણાબેન ભરતભાઈ ગીરધરભાઈ મહેતા (ઉ.વ. 54) (રહે. બન્ને હાલ રાજકોટ, પોપટપરા શેરી નં. 04, રામદેવ મંદિર પાછળ હશીનાબેન મુસ્લીમના મકાનમાં ભાડેથી મુળ રહે. મોણવેલગામ તા.ધારી જી.અમરેલી) ની ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

જોકે આ તપાસ દરમિયાન ખૂલ્યું કે આરોપી ટોળકીના મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી હંસાબેન દ્વારા પોતાની દિકરી હોવાની ખોટી ઓળખ આપી ભાગ્યવતી ઉર્ફે અંજલી સાથે 18 લોકોના લગ્ન કરાવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

દરમિયાન લુંટેરી દુલ્હન ભાગ્યવતી મુળ આંધ્રપ્રદેશના શ્રીરંગરાજુપાલમ ગામની વતની હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં અંજલી ઉર્ફે ભગવતી ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકોની સત્ય હકિકત જાણવા કોર્ટમાં 10 દિના રિમાન્ડની માંગ કરાઇ હતી જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ ઉપરાતં અમદાવાદ તથા ભાવનગર ખાતે તપાસ કરવામાં આવતા લગ્ન કરવામાં આવેલ છોકરી મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હોવાની, આરોપી દ્વારા ખોટા પુરાવાઓ મેળવેલ હોવાની તેમજ આ ગેંગ દ્વારા કુલ 18 જેટલી વ્યક્તિઓ સાથે લગ્ન કરી, છેતરપીંડી કરી આંતર રાજ્યમાં ગુન્હાઓ આચર્યા હોવાની વિગતો ખુલી હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ એસ.એન.સાગરકા તથા ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમજ અમદાવાદ અને ભાવનગર ખાતે તપાસ કરતા આરોપી ભરતભાઈ રાજગોર, તેના પત્ની તથા મુન્ના ઉર્ફે અનિરુદ્ધસિંહ ગોહીલ એજન્ટ છે, જ્યારે આરોપી હંસાબેન વાઘેલા મુખ્ય સુત્રધાર હોઈ, પોતાની દીકરી સાથે લગ્નવાંછુ યુવાનોને લગ્ન કરાવી, દીકરીને પિયરમાં આંટો મારવાના બહાને ઘરે લઈ આવી, છેતરપીંડી કરવાની મોડસ ઓપરેનડી ધરાવે છે.

પકડાયેલ આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીથી રાજસ્થાન, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં મળી કુલ 18 જેટલા લગ્નેચ્છુક યુવાનો સાથે મુખ્ય સુત્રધાર હંસાબેને અંજલીબેન ઉર્ફે ભાગ્યવતી બેનની પોતાની દિકરી તરીકેની ખોટી ઓળખ તથા ખોટા આધાર પુરાવા આપી છેતરપીંડી આચરી હતી. આરોપી અંજલીબેન ઉર્ફે ભાગ્યવતી મૂળ આંધ્રપ્રદેશના શ્રી રંગરાજુપલમ ગામની વતની હોવાનું ખુલ્યું હતું. રિમાન્ડ બાદ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ખોટા દસ્તાવેજ બનાવી, સાચા તરીકે ઉપયોગ કરવામાં આવેલ હોઈ, આઈપીસીની કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કલ્યાણ પુર પોલીસ સ્ટેશન (દેવ ભૂમિ દ્વારકા જિલ્લો), જેતપુર પોલીસ સ્ટેશન, કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિગેરે જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓનો કબજો મેળવી હાથ ધરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top