મોડીરાત્રે મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ થતાં મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. પહેલી બેઠકમાં ખેડૂતો લક્ષી અને શિક્ષણ લક્ષી ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વિકાસની દિશામાં કામ કરતી રહેશે, તેમ જણાવી સીએમ રૂપાણીએ કાર્યનો શુભ આરંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સીએમ રૂપાણીએ કહ્યું કે, પહેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલું જ રહેશે. ખાતાઓની ફાળવણી કરીને દરેકને કાર્યભાર પર સોંપવામાં આવ્યો.
ગુજરાતમાં નવી રચાયેલી રૂપાણી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ગુરૂવારે મોડી સાંજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાઈ હતી. પાંચ વાગે યોજાનારી બેઠક ચાર કલાકના વિલંબ બાદ યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં રૂપાણીના નવા મંત્રીમંડળના મંત્રીઓને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.પ્રદીપસિંહ જાડેજાને ગૃહવિભાગ અને જયેશ રાદડીયાને અન્ન અને પુરવાઠા ખાતુ ફરીથી સોંપાયુ છે.
નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્યને સોંપાયા છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ ખાતું સીએમએ રૂપાણીએ પોતાના પાસે રાખ્યું છે. નીતિન પટેલે પત્રકાર પરિષદ બાદ પણ તેમણે મૌન પાળ્યું હતું. અને પત્રકાર પરિષદમાંથી વિદાય લીધી હતી. પરંતુ ખાતાની ફાળવણીથી કોઈ નારાજ ન હોવાને લઈ સીએમ એ પણ સ્પષ્ટતા કરતા કહ્યું તે ખાતાની ફાળવણીથી કોઈ નારાજ નથી.