ડાયસેફાલિક પેરાફેગસ સ્થિતિને કારણે સંયુક્ત જોડિયા જન્મે છે. આ એક ખૂબ જ દુર્લભ રોગ છે. આ સ્થિતિ સાથે જન્મેલા બાળકોના બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ સ્થિતિ સાથે જન્મેલા બાળકો જન્મ પહેલાં અથવા જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. આવા જોડિયા પેલ્વિસ, પેટ અથવા છાતી દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે પરંતુ તેમના માથા અલગ હોય છે. વધુમાં આ જોડિયાઓને બે, ત્રણ કે ચાર હાથ અને બે કે ત્રણ પગ હોઈ શકે છે. આવા બાળકોમાં શરીરના અંગો ક્યારેક એકસરખા હોય છે અથવા અલગ-અલગ હોઈ શકે છે.
વિશ્વભરમાં સમયાંતરે સંયુક્ત જોડિયા (એકબીજા સાથે જોડાયેલા બાળકો) ના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં ભારતમાં એક સાથે જોડાયેલા જોડિયા બાળકોનો એક કિસ્સો પણ નોંધાયો હતો જેમાં નવજાતને બે માથા, ત્રણ હાથ અને બે હૃદય હતા.
હવે બ્રાઝિલમાં સંયુક્ત જોડિયા બાળકોનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ડોકટરોએ આ બાળકો પર સફળતાપૂર્વક ઓપરેશન કરીને વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીથી તેમને અલગ કર્યા છે.
આ બે બાળકોના નામ બર્નાર્ડો અને આર્થર લિમા છે. બર્નાર્ડો અને આર્થર લિમાએ રિયો ડી જાનેરોમાં 7 સર્જરી કરાવી હતી. આ બાળકોની આ સર્જરીની દેખરેખ ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન નૂર ઉલ ઓવસે જિલાની દ્વારા કરવામાં આવી હતી. બાળકોની અંતિમ શસ્ત્રક્રિયામાં 33 કલાકથી વધુ સમય લાગ્યો હતો, જેમાં લગભગ 100 મેડિકલ સ્ટાફ સામેલ હતો.
આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ નૂર ઉલ ઓવસે જિલાની તેમજ ડૉ. ગેબ્રિયલ મુફરેજોએ કર્યું હતું. આ ઓપરેશન શરૂ કરતા પહેલા સર્જનોએ ઘણા મહિનાઓ સુધી વર્ચ્યુઅલ રિયાલિટી સાથે આ ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ જ અંતિમ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
શ્રી જિલાનીએ આ ઓપરેશનને મોટી સિદ્ધિ ગણાવી હતી. જિલાનીએ કહ્યું કે, બર્નાર્ડો અને આર્થરને અલગ કરવું ખૂબ જ જટિલ કામ હતું. ઘણા સર્જનો તેના વિશે વિચારી પણ શકતા ન હતા. દુનિયાભરમાં આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે.
તેમણે કહ્યું કે, આ ઓપરેશન મેડિકલ જગત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઓપરેશને આ બાળકો અને તેમના પરિવારોને માત્ર એક નવું ભવિષ્ય જ આપ્યું નથી, પરંતુ ભવિષ્યમાં ફરીથી આવા ઓપરેશન કરવા માટે અમારી ટીમમાં વિશ્વાસ પણ જગાડ્યો છે.
તેમણે કહ્યું, ટીમ વર્ક દ્વારા અને વૈશ્વિક સ્તરે અમારા જ્ઞાનને વહેંચીને, અમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા બાળકો અને પરિવારોની મુશ્કેલીઓને હલ કરી શકીએ છીએ.
ડૉ. મુફરરેજોએ જણાવ્યું કે તેઓ જે હોસ્પિટલમાં કામ કરે છે ત્યાં આ બંને બાળકોની છેલ્લા અઢી વર્ષથી દેખરેખ કરવામાં આવી રહી છે. બંને બાળકોની આ સર્જરી જીવન બદલી નાખનારી હતી. “આ બે બાળકોના માતા-પિતા અઢી વર્ષ પહેલા રોરાઈમાથી રિયો આવ્યા હતા, ત્યારબાદ તેઓ અહીંની હોસ્પિટલમાં અમારા પરિવારનો એક ભાગ બની ગયા હતા,” તેમણે કહ્યું.
ડૉ. મુફ્રેઝોએ કહ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ કે આ સર્જરી સફળ રહી અને તે બાળકો અને તેમના પરિવારો બંને માટે જીવન બદલવાની તક છે. ડોક્ટર્સનું કહેવું છે કે સર્જરી બાદ બંને બાળકોની તબિયત સારી થઈ રહી છે.