અમેરિકાની ચીનને ધમકી, રશિયાની મદદ કરી તો કરશે કડક કાર્યવાહી

અમેરિકાએ ચીનને ધમકી આપી છે કે જો તે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની અસરને ખતમ કરવામાં રશિયાને મદદ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વોશિંગ્ટનમાં રવિવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને પણ કહ્યું હતું કે ચીનને અગાઉથી જ ખબર હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરવા જઈ રહ્યું છે. તેઓ ચીન પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

સુલિવાને દાવો કર્યો હતો કે અમેરિકા એ જોઈ રહ્યું છે કે ચીન રશિયાને કોઈપણ પ્રકારનો સહયોગ, સામાનની સપ્લાય, આર્થિક સહયોગ વગેરે કેટલી હદે આપે છે. બીજિંગને સંદેશ આપવામાં આવ્યો છે કે જો ચીન રશિયાને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની કોશિશ કરશે તો અમેરિકા ચૂપ નહીં બેસે. કોઈપણ દેશને આ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ચીને હજુ સુધી આ ધમકી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આજે ચીની નેતા સાથે મુલાકાત

સોમવારે, આ ધમકીના બીજા જ દિવસે, સુલિવાન રોમમાં ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરો સભ્ય અને ફોરેન અફેર્સ કમિશનના ડિરેક્ટર યાંગ જીચી સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પર રુસો-યુક્રેન યુદ્ધની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાજ્ય વિભાગ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારીઓ પણ અહીં હાજર રહેશે.

યુક્રેને પોતાની કૂટનીતિ જાતે આગળ વધારે

રાષ્ટ્રપતિ બિડેન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સતત વાતચીત કરી રહયા છે, પરંતુ તે તેમની કૂટનીતિ સાથે કેવી રીતે આગળ વધે છે તે યુક્રેનનો સાર્વભૌમ નિર્ણય હશે. અમેરિકા પુતિન પર દબાણ વધારી રહ્યું છે. સુલિવાને પુનરોચ્ચાર કર્યો કે, યુ.એસ. યુક્રેનને લશ્કરી સહયોગના ભાગરૂપે એન્ટિ-એર ડિફેન્સ સિસ્ટમ પ્રદાન કરવાનું વિચારી રહ્યું છે, પરંતુ ફાઇટર જેટ આપવામાં આવશે નહીં. અન્ય રીતે મદદ પૂરી પાડવામાં આવી રહી છે જેથી રશિયન સૈન્ય હુમલાને નબળો પાડી શકાય.

Scroll to Top