Updates

ચૂંટણી નજીક આવતા નિવેદનબાજી શરૂ, ‘ગાંધી ટોપી’ને લઈ ભાજપ-કોંગ્રેસ આરપાર

ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી દ્વારા ગાંધી ટોપી મામલે એક ટ્વિટ કર્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. રત્નાકરજીએ જણાવ્યું કે, કોંગ્રેસે દરેક વાત પર ટોપી પહેરાવી છે! ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી ‘સફેદ ટોપી’ જે ક્યારેય ગાંધીજીએ પહેરી નથી. રત્નાકરજીએ ઉમેર્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જેનો પૈતૃક સંબંધ પણ ન હતો એવા નહેરૂજીએ હંમેશા આ ટોપી પહેરી છે. પરંતુ તેને ‘ગાંધી ટોપી’ કહેવામાં આવી છે.

આ મામલે કોંગ્રેસે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર જીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના પૂર્વજોની ઓળખ સમાન ‘ગાંધી ટોપી’ અંગે અપમાન જનક ટ્વિટ કરીને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતીનું અપમાન કર્યુ છે. આવા લોકોએ તાત્કાલીક ધોરણે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. નહીં તો ગુજરાતની જનતાના અપમાનના પરિણામ આખી ભારતીય જનતા પાર્ટીએ ભોગવવા પડશે.

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગાંધી ટોપી મહારાષ્ટ્ર અને ગુજરાતના અમારા પૂર્વજોની ઓળખ છે, તેનું અપમાન કરવાનો અધિકાર ગુજરાત બહારનાઓને કોણે આપ્યો? ‘ગાંધી ટોપી’ ભારતના મહાન સ્વતંત્રા સંગ્રામની ઓળખ હતી.

હજારો લોકો એ આ જ ગાંધી ટોપી પહેરીને દેશની આઝાદી માટે હસતે મોઢે શહિદી વ્હોરી હતી. આ ગાંધી ટોપી જ એ તમામ સ્વતંત્રા સેનાનીઓના મસ્તકની શાન હતી. પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મહત્વ અને સ્વતંત્રા સંગ્રામના પ્રતિકો અંગે અંગ્રેજોના સમર્થકોને માહિતી ના હોય તે સ્વાભાવીક જ છે.

અર્જૂન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતી અને સત્યથી અજાણ લોકો માત્ર કોંગ્રેસને ગાળો ભાંડવાની પોતાના પક્ષની સંસ્કૃતિને આગળ ધપાવી પોતાના આકાઓના વ્હાલા થવાની લાયમાં ગુજરાતની અસ્મિતા, ઓળખ અને સંસ્કૃતિનું અપમાન કરે તે ગુજરાતની જનતા ક્યારેય સહન કરશે નહીં.

તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે જણાવ્યું કે, આપણે ગાંધીજીના હજારો ફોટા જોયા છે. જેમાં ગાંધીજીએ ક્યારેય પણ ટોપી પહેરી હોય તેવો કોઈ ફોટો જોયો નથી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાના આંદોલનથી લઈ ભારત ભ્રમણ કર્યું. આ દરમિયાન ગાંધીજી સામાન્ય નાગરિક જે કપડા પહેરે તે પ્રમાણેના કપડાં પહેરતા હતાં. ભારત ભ્રમણ દરમિયાન જોયેલા કરૂણ દ્રશ્યો બાદ ગાંધીજીએ માત્ર ધોતી પહેરવાનું શરૂ કર્યું. આ ઈતિહાસ છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, એ વાત સાચી છે કે ગાંધીજી ખાદીના આગ્રહી હતા. સ્વદેશીના આગ્રહી હતા. પરદેશી કપડાંનો બહિષ્કાર અને સ્વદેશી કપડાં લોકો પહેરે એ માટે ગાંધીજીએ ખાદીને પ્રોત્સાહન આપ્યું હતું. એ વાત સાચી છે કે ગાંધીજીની ટોપી ગાંધી ટોપી કહેવાય છે. જોકે કોઈપણ જગ્યાએ ગાંધીજીનો ટોપી પહેરેલો ફોટો નથી. જો કોઈ પાસે હોય તો તેઓ રજૂ કરે તો તેના પર અભ્યાસ કરવામાં આવશે. એટલે કે રત્નાકરજીનું નિવેદન સાચું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker