દેશમાં કોરોનાને કહેર સતત વધેલુ જોવા મળી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓનુ ભણતર અટવાઈ ગયું છે. દેશમાં ઘણા રાજ્યોમાં બોર્ડ એક્ઝામને માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી દેવાયા છે. આ બાબતમાં ગુજરાતમાં પણ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે રેગ્યૂલર રહેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જ્યારે હવે વાત ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ પર આવી ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ બાબતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટું નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન આપવામાં આવશે નહીં. હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડને આધિન ધોરણ- 12ની પરીક્ષાઓ યોજવી કે નહીં કે ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 ની માફક માસ પ્રમોશન આપવુ? આ અંગેની ચર્ચા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા આવશે નહીં જ્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવશે ત્યાર બાદ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ કારણોસર શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અગાઉ કોરોનાના કારણે ધોરણ-10 માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ ધોરણ-12 સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ જણાવ્યું હતું કે, આ સિવાય બીજો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમને એ પણ કહ્યું કે, ધોરણ-12 માટે અગાઉ નક્કી કરવામાં આવેલ મુજબ પરીક્ષા લેવાશે. જ્યારે રાજ્યમાં પહેલાથી જ ધોરણ-1થી 9 અને ધોરણ-11માં માસ પ્રમોશન અપાયું છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોરગ્રુપની બેઠકમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત આરોગ્ય, શિક્ષણ વિભાગના સેક્રેટરીઓ પણ હાજર રહયા હતા.