ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશક પૂરનું જોખમ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર તેની અસર વિશે ચેતવણી આપી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં પર્યાવરણને લગતા અનેક જોખમો જોવા મળી શકે છે. આ બધા વચ્ચે હવે એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કલાઈમેટ ચેન્જના કારણે ભારતના દરિયા કિનારા બંગાળની ખાડી, સાઉથ ચાઈના સી, અને દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી શકે છે.

ઈન્ડિયા ટુડેમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ આ નવો અભ્યાસ દરિયાકિનારે શહેર અને તેની આસપાસ રહેતા લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. કારણ કે આ વિસ્તારો પહેલાથી જ વિનાશક પૂરના જોખમમાં છે. દરિયાઈ તરંગોની હિલચાલ વધવાથી પૂરનું જોખમ વધી શકે છે, તેમજ કિનારાની ગોઠવણીને અસર થઈ શકે છે. જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. જેમાં ભૂગર્ભ જળમાં ખારા પાણીની ઘૂસણખોરી, પાકનો વિનાશ અને માનવ વસ્તીને સામાજિક અને આર્થિક પરિણામોની શ્રેણી સાથે અસર થઈ શકે છે.

જર્નલ ‘ક્લાઈમેટ ડાયનેમિક્સ’ સ્પ્રિંગરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે મજબૂત પવનો ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાના દરિયાકાંઠાના વિસ્તારો અને હિંદ મહાસાગરની સરહદે આવેલા દેશોને અસર કરશે, જેની અસર દરિયાકાંઠાના પૂર અને કિનારાના ફેરફારો પર પડશે.

આ અભ્યાસ મુજબ, દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં જૂન-જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન મહત્તમ મજબૂત પવન અને તરંગોની ગતિવિધિઓ જોવા મળશે. મધ્ય બંગાળની ખાડીના વિસ્તારોમાં સદીના અંતના અનુમાનો દ્વારા ઊંચા પવનોનો સામનો કરવો પડશે. મોજા દક્ષિણ હિંદ મહાસાગરમાં લગભગ 1 મીટર અને ઉત્તર હિંદ મહાસાગર, ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારોમાં 0.4 મીટર સુધી તીવ્ર બનશે.

વૈજ્ઞાનિકોએ ભવિષ્યની લહેરોના અંદાજો અને પવનની ગતિ, દરિયાઈ સપાટીના દબાણ અને દરિયાઈ સપાટીના તાપમાન સાથેના તેમના સંબંધની વધુ તપાસ કરી. સંશોધનમાં બે અલગ અલગ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પરિદ્રશ્યોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) દ્વારા RCP 4.5 અને RCP 8.5 કહેવામાં આવે છે.

 

Scroll to Top