રાજકોટ : જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીમાં માટીની ભેળસેળ મામલે પોલીસે સૌરાષ્ટ્ર વેરહાઉસ કોર્પોરેશનના મેનેજર મગન ઝાલાવડિયા સહિત 22ની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે ફરિયાદ ન થાય તે માટે આ કૌભાંડના સૂત્રધાર મગન ઝાલાવડિયાએ કરેલા પ્રયાસોની ત્રણ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં તેણે ફરિયાદ થતી અટકાવવા માટે તંત્ર ઉપર દબાણ લાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. માનસિંગ નામના શખ્સ સાથે મગને કરેલી વાતચીતમાં પોલીસ અને તંત્રના હાથ પોતાના સહિતના અન્ય આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં પોતે બધું પતાવી દેવાની ગોઠવણ કરતો હોવાનું પણ આ ઓડિયોક્લિપની વાત પરથી સ્પષ્ટ સમજી શકાય છે. જેમાં બોલે છે કે, રાજેશભાઇને કહી મોદીને ફોન કરાવી દો કે ગુનો દાખલ નથી કરવાનો. માનસિંગ જૂનાગઢ તાલુકા પંચાયતનો સભ્ય છે અને 10 દિવસ પહેલા ભાજપમાં જોડાયો હતો.
ઓડિયોક્લિપમાં થતી વાતચીત
મગનભાઇ : માનસિંગભાઈ હવે જો સમાધાનમાં જો કંઈ ગણિત હોય તો મે નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં, અમે પુરૂ કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે.
માનસિંગભાઇ: નાફેડમાં મે ફોન કર્યો ત્યારે મને એવું કહ્યું કે, અમને કંઈ ખબર જ નથી.
મગનભાઇ: આ રોહિત અહીં ફોન પર ફોન કરી ઠેકડા મારે છે. એને બધાને ન ખબર હોય તેના બોસને જ ખબર હોય ને… પેલા તો તમે મંડળીવાળા મુલુભાઈ સાથે વાત કરી લ્યો અને તેને પૂછો કે જો તમે સમાધાન માટે તૈયાર હો તો હું બધો રસ્તો કાઢી લવ.
માનસિંગભાઇ: એની સાથે વાત થઇ કાલે વિકાસ કમિશનરમાં મારે તારીખ છે એ પતાવીને અમે બંને તમારી પાસે આવીશું.
મગનભાઇ: મારી પાસે આવવા કરતા પેલા તમે ઉપરથી પ્રેશર બંધ કરાવી દો. હું બે દિવસ ગોડાઉન ખોલીશ જ નહીં. કેમ કે GSW વાળાને પણ કહી દીધું છે કે ગમે તેની ડિલિવરી હોય તમે ગોડાઉન ન ખોલતા નહીં તો પ્રેસ-મિડિયા અને પોલીસવાળા પહોંચી જાશે. બાકી મને પણ પ્રેસવાળાનો ફોન આવે તો હું એમ જ કહું છું કે એક-બે બોરી એવી કોઇએ મૂકી દીધી હોય તો કેમ નક્કી થાય. આ અમારૂ કામ છે અમે જોઈ લેશું.
માનસિંગભાઇ: મુલુભાઈને કહી દવ કે કાલે ફળદુ સાહેબ પાસે આવી જાય
મગનભાઇ: હા એને કહો ફળદુ સાહેબને કહી દે આ ખરાબ મગફળી મારી એટલે કંઇ ન થાય.
ઓડિયો ક્લિપના વધુ અંશોમગનભાઈ કહે છે કે સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું, ચિંતા નથી કંઇ, તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે પણ નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું મને ઝાડા-ઉલ્ટી છે. તબિયત બરોબર નથી. બે દિવસ આપો રસ્તો કરી લેશું. ત્રીજી ઓડિયોક્લિપમાં મગનભાઈ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મુક્યો હજી. ગમે તેમ કરીને કલેક્ટરને રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો.
પોલીસે મગન ઝાલાવડિયાના ઘરે પાડ્યા દરોડા
મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડિયાના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મગનનું ઘર તરઘડી ગામે આવેલું છે. પોલીસ દ્વારા મગન ઝાલાવડિયાના ઘરે દસ્તાવેજોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 2 કલાક સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. ડીવાયએસપી સહિતના અધિકારીઓ દરોડામાં જોડાયા છે.