કોરોનાના વધતા જતા કેસોના પગલે બંગાળમાં આગામી ત્રણ તબક્કાઓની ચૂંટણી એક સાથે કરવામાં આવે: મમતા

બંગાળમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી હંગામા વચ્ચે મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને, તેમણે ચૂંટણી પંચને આગામી ત્રણ તબક્કાની ચૂંટણી એક સાથે કરવા માટે અપીલ કરી છે. ગુરુવારે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં મમતાએ કહ્યું હતું કે, કોરોના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે. ઘણા ઉમેદવારોને પણ ચેપ લાગ્યો છે. ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની બહારના લોકો બંગાળ આવી રહ્યા છે, જે કોરોના કેસોમાં વધારો થવાનું એક મોટું કારણ પણ છે.

આવા સમયે, બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજવી એ રાજ્યનું અપમાન છે. મમતાએ કહ્યું કે બંગાળ એક શાંતિપૂર્ણ રાજ્ય છે. ભાજપ બંગાળની છબીને કલંકિત કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપની યોજના મુજબ ચૂંટણી યોજાઈ રહી છે. મમતાએ કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને હું પંચને અપીલ કરું છું કે એક સાથે ત્રણ તબક્કાની ચૂંટણીઓ યોજાય. બીજી તરફ, ચૂંટણી પંચે એક સાથે ત્રણ તબક્કાના મતદાનનો ઇન્કાર કરી દીધો છે. જણાવી દઈએ કે બંગાળમાં મતદાનના ચાર તબક્કાઓ થઈ ચૂક્યા છે. મતદાનનો પાંચમો તબક્કો 17 એપ્રિલના રોજ છે. આ પછી ત્રણ તબક્કાઓ ની ચૂંટણી મમતા એક સાથે કરવા માંગે છે.

બંગાળમાં હિંસા માટે ગૃહમંત્રી ને ઠેરવ્યા જવાબદાર

જયારે, ચોથા તબક્કાના મતદાન દરમિયાન, મમતાએ કુચ બિહારની શીતલચીમાં સુરક્ષા દળોના ફાયરિંગમાં ચાર લોકોના મોત માટે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા. તેણે પૂછ્યું કે કૂચ બિહારમાં ફાયરિંગનો આદેશ કોણે આપ્યો? તેમણે કહ્યું કે બંગાળમાં કોઈ રાજકીય હિંસા નહોતી, પરંતુ બહારથી લોકો અહીં ગુંડાગીરી કરવા આવી રહ્યા છે. તૃણમૂલ પર હિંસાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે, પરંતુ ગૃહમંત્રીના આદેશથી બંગાળમાં હિંસા થઈ છે. કૂચ બિહારની ઘટનાને શરમજનક ગણાવી મમતાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં ચોક્કસ સમુદાયના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપ અને સેન્ટ્રલ ફોર્સે તૃણમૂલના કાર્યકરોની હત્યા કરી હતી. કેન્દ્રીય દળોને આ આદેશ આપવામાં આવી રહ્યો છે કે તે તૃણમૂલ કાર્યકરોની ઓળખ કરીને તેમને ગોળી મારે.

ભાજપને બંગાળમાં પ્રવેશ નહીં કરવા દઈએ

ભાજપ પર પ્રહાર કરતા મમતાએ કહ્યું હતું કે – બંગાળમાં તેમને ઘૂસવા નહિ દઈએ. બંગાળની જનતા મારી સાથે છે, તે જ મારી સાચી તાકાત છે. તેમણે કહ્યું કે જનતાના ટેકાના આધારે હું ચૂંટણી જીતીશ.

પીએમ કેયર્સ પર ફરીથી ઉભા થયા સવાલ

મમતાએ પીએમ કેયર્સ પર ફરીથી સવાલ ઉઠાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ કેયર્સ ફંડમાં કેટલું નાણું આવ્યું તે કોઈને ખબર નથી. જો કોઈ રાજ્ય માંગ કરે તો પણ આપવામાં આવતી નથી. પીએમ કેયર્સના પૈસા કેમ રસીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા નહિ. મેં રસીની માંગણી કરી, જેથી રાજ્યના તમામ લોકોને મફતમાં રસી આપી શકાય, પરંતુ વડાપ્રધાને કોઈ જવાબ આપ્યો નહિ.

Scroll to Top