રાજકોટ: યુનિવર્સિટી રોડ પર આવેલા શ્રીરામપાર્કમાં સુમતિનાથ જિનાલયમાં ત્રણ દિવસ પહેલા ભાવિકોએ જિનાલય આસપાસના મકાનોના દરવાજા પાસે વાહનો પાર્ક કર્યા હતા. જેના કારણે મકાનમાલિકે પોલીસમાં ફોન કર્યો હતો જેના પગલે પોલીસે 7 વાહનો ત્યાંથી ડિટેન કર્યા હતા. વાહન ડિટેન થતા જિનાલયના અગ્રણીઓએ પહેલા પોલીસ કમિશનર અને બાદમાં સીએમને ફોન કરી પોલીસ પર પ્રેશર કર્યું હતું. જેના પગલે પોલીસ દંડ લીધા વગર વાહન મૂકવા તૈયાર થઇ હતી. બાદમાં અગ્રણીઓએ જપ્ત કરેલા વાહનો પોલીસ પરત મૂકવા આવે તેવી માગ કરતા પોલીસે ડિટેન કરેલા વાહનો પરત મૂકવા જવા મજબૂર બની હતી.
શહેરમાં કોમનમેનને દંડ, પરંતુ ‘સમર્થ’ માણસોને બધી છૂટ
જાહેર માર્ગો પર કોઇ વાહનચાલક પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ કે વાહનના કાગળ સાથે રાખતા ભૂલી ગયા હોય તો ટ્રાફિક પોલીસ પોતાનો રોફ જમાવે છે અને દંડની વસૂલાત કરે છે, પરંતુ જ્યારે કોઇ વગદાર નિયમ તોડે તો તેમની સામે કાર્યવાહી કરવામાં શરમ આવે છે. યુનિવર્સિટી રોડ પર શ્રીરામ પાર્ક શેરી નં.5માં આવેલા સુમતિનાથ જિનાલયમાં પર્યુષણ પર્વ માટે આવેલા ભાવિકોએ વાહનો આસપાસ રહેતા લોકોના ઘર પાસે પાર્ક કર્યા હતા. વાહનો દરવાજા સામે પાર્ક કરેલા હોવાથી સ્થાનિક લોકોએ 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. જેના પગલે ટ્રાફિક પોલીસની ગાડી આવી સાત વાહન ટોઇંગ કરી ગઇ હતી.
વાહનો ડિટેન થતા જૈન સમાજના અગ્રણીઓએ પહેલા પોલીસ કમિશનરને રજૂઆત કરતા કમિશનરે દંડ લીધા વગર વાહનો છોડવા સહમત થાય હતા, પરંતુ અગ્રણીઓ ડિટેન કરેલા વાહન પોલીસ પરત આપવા આવે તેવી માગ કરી હતી. આ અંગે અગ્રણીઓએ સીએમ સુધી રજૂઆત કરતા અંતે સામાન્ય શહેરીજનો સામે રોફ જમાવતી પોલીસે ડિટેન કરેલા વાહનો પરત આપવા જવું પડ્યું હતું.
દંડ નથી લીધો, વાહન પરત મૂકવા અંગેની જાણ નથી
જૈન દેરાસર પાસે પાર્ક વાહન મુખ્ય માર્ગથી અંદરના ભાગે હતા. એ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ચાલતા વિવાદને કારણે કોઇએ ફોન કરતા ટ્રાફિક પોલીસ પહોંચી હતી અને વાહનો ટોઇંગ કરી હેડ ક્વાર્ટર લઇ ગયા હતા. દેરાસરના ભાવિકો પૂજા માટે ગયા હતા અને વાહનો અડચણરૂપ ન હોવાને કારણે ડિટેન કરેલા વાહનોનો દંડ વસૂલ કર્યો ન હતો. ટ્રાફિક પોલીસ જપ્ત કરેલા વાહન પરત મૂકવા ગઇ હતી તે બાબત મારા ધ્યાન પર નથી. આ માટે મુખ્યમંત્રી કે સીએમ કાર્યાલય પરથી કોઇ ફોન આવ્યો નથી. – મનોજ અગ્રવાલ, પોલીસ કમિશનર રાજકોટ
સીપીને રજૂઆત કરી એટલે વાહન પરત આપી ગયા
સુમતિનાથ જિનાલય શ્રીરામપાર્ક શેરીમાં આવ્યું હોવાથી કોઇએ વાહનો પાર્ક કર્યા હોય તે નડતા નથી. આમ છતાં ટ્રાફિક પોલીસ આવી હતી અને જિનાલય પાસેથી સાત વાહન લઇ ગઇ હતી. જિનાલય સામે રહેતા લોકોએ ફરિયાદ કરી હતી. જેમાં માત્ર એક જ વાહન તેમને નડતરરૂપ હતું, પરંતુ પોલીસ જિનાલયની દીવાલ પાસે પાર્ક કરેલા વાહનો લઇ જતા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે ટ્રાફિક પોલીસની ગાડી ડિટેન કરેલા વાહનો પરત આપી ગયા હતા. – નિલેશ કોઠારી, ટ્રસ્ટી સુમતિનાથ જિનાલય