પેટ્રોલ-ડિઝલના ભાવ બાદ હવે CNG ના ભાવમાં કરાયો મોટો વધારો- જાણી લ્યો નવો ભાવ

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે ગેસના ભાવ વધારાનો નવો ડામ અપાયો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી CNG ના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસમાં બે રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજ વધી જશે. તેમ છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા PNG ના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. CNG નો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા પહોંચી ગયો છે.

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં સાડા છ લાખથી વધુ CNG વાહનો રહેલા છે અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450 થી વધુ પંપ રહેલા છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજ વધશે. ગુજરાત ગેસ દ્વારા 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNG નો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો રહેશે. અદાણીના CNG ના ભાવ હાલ 55.30 રૂપિયા રહેલા છે.

સુત્રોના કહેવા મુજબ છેલ્લા દોઢ વર્ષથી સીએનજીનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજયમાં 450 જેટલા સીએનજી પંપ મારફત અંદાજીત 7 લાખ વાહનોને ઈંધણ પુરૂ પાડવામાં આવે છે.

સીએનજી મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશના ગેસ પીએનજીમાં કોઈ વધારો ન કરતા રાહત મળી છે.
નોંધનીય છે કે, કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તે 37.51 કરાતા મોરબી તથા સુરેન્દ્રનગરનાં ઉદ્યોગો પર મોટો બોજ પડતાં ઉહાપોહ સર્જાઈ ગયો છે.

Scroll to Top