ગુરુગ્રામ શહેરના સેક્ટર-31માં આવેલા સીએનજી પંપ (CNG Pump)ના ત્રણ કર્મચારીઓને રવિવારે મોડી રાત્રે કેટલાક લોકોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. કેટલાક લોકોએ આ કર્મચારીઓ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. મૃતકોની ઓળખ ઉત્તર પ્રદેશના ભૂપેન્દ્ર, પુષ્પેન્દ્ર અને નરેશ તરીકે થઈ છે.
એક સાથે ત્રણ લોકો ને મારી નાખતા ચકરાર મચી ગઈ
પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સ્થાપિત સી.સી.ટી.વી. (CCTV Footage) કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. હરિયાણા (Haryana) રાજ્યની ગુરુગ્રામ પોલીસને શંકા છે કે આ હુમલો લૂંટના ઇરાદે કરવામાં આવ્યો હતો. જો કે આ કેસની તપાસ કેટલાક અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી રહી છે. આ કેસમાં હજી સુધી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી નથી.
ઘટના સ્થળનું વર્ણન
પોલીસે જણાવ્યું હતું કે પંપ મેનેજરની ચેમ્બરમાં બે મૃતદેહો મળી આવ્યા હતા અને એક બહાર પડેલો મળી આવ્યો હતો. ભૂપેન્દ્રના ભાઈ ધર્મેન્દ્રએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “વહેલી સવારે, જ્યારે મને ફોન આવ્યો, ત્યારે હું જાગી ગયો, સીએનજી પંપ (CNG Pump) પર પહોંચ્યો અને મારા ભાઈ ભૂપેન્દ્રને મૃત હાલતમાં જોયો. મારો ભાઈ પંપ પર ઓપરેટર તરીકે કામ કરતો હતો.” તેણે કહ્યું કે, તેના ભાઈની હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ તપાસ ચાલુ
પોલીસ કર્મચારીઓ સાથે ‘ફોરેન્સિક’ ટીમ અને ડોગ સ્કવોડ ઘટના સ્થળે હાજર છે. પોલીસ કમિશનર કલા રામચંદ્રને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.