રાજસ્થાનના બારાં શહેરમાં તલાવડા રોડ પર બદમાશોએ કોંગ્રેસના શહેર પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ ગૌરવ શર્માને ગોળી મારી હતી. ઘટના બાદ શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બાદમાં ત્યાંથી પસાર થતા લોકો ગંભીર રીતે ઘવાયેલા શહેર પ્રમુખ ગૌરવ શર્માને લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને કોટા રિફર કરવામાં આવ્યો હતો. શર્માની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
અદાવતના કારણે ગોળીબારો કરવામાં આવ્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેર કોંગ્રેસ પ્રમુખ ગૌરવ શર્મા બુધવારે તલાવડા રોડ પર ખાનગી જગ્યાએ બેઠા હતા. ત્યાં જૂની અદાવતના કારણે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળી ગૌરવ શર્માના માથામાં વાગી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક વ્યક્તિ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો. શર્માને લોહીલુહાણ હાલતમાં પડેલો જોઈને અન્ય પરિચિતોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલમાં લાગી સમર્થકોની ભીડ
લોકો ઈજાગ્રસ્ત શહેર પ્રમુખને હોસ્પિટલ લઈ ગયા હતા. તેમના સંબંધીઓ, પરિચિતો અને સમર્થકોની ભીડ એકઠા થઇ ગઈ હતી. બારાંની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક કોટા રિફર કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ તેના સ્તરે તપાસ કરી રહી છે.
મિલકતના વિવાદના કારણે હુમલાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર સંભવતઃ મિલકતના વિવાદને લઈને દુશ્મનાવટને કારણે હુમલો થયો હતો. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને મોકલવામાં આવી છે. શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ બારાં શહેરમાં ચર્ચાનું બજાર ગરમાયું છે.