અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને બિહારમાં મોટો ઝટકો લાગ્યો છે. તેમના ચાર ધારાસભ્યો આરજેડીમાં જોડાયા છે. ઓવૈસી અવારનવાર ભાજપ પર હુમલો કરતા હોય છે, પરંતુ હવે તેમણે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને માત્ર નબળી જ નહી પરંતુ બરબાદ થવી જોઈએ. તેમણે બુધવારે ભોપાલમાં કહ્યું કે કોંગ્રેસ સતત નીચે પડી રહી છે. હું આશા રાખું છું કે કોંગ્રેસ ન માત્ર નબળી પડે પરંતુ તેનો નાશ થવો જોઈએ જેથી દેશમાં નવી રાજનીતિ શરૂ થઈ શકે.
ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસના કારણે નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન બન્યા. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના મત કાપવાના આરોપોને પણ ફગાવ્યા હતા. ઓવૈસીએ ટોણો મારતા કહ્યું, ‘જો એમ હોય તો શું ઓવૈસીના કારણે પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી જીતી હતી. કે પછી ઓવૈસીના કારણે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ શિવરાજી સિંહ ચૌહાણ સાથે હાથ મિલાવ્યા અને તેમને ખુરશી પર બેસાડ્યા?’
હૈદરાબાદના સાંસદે કહ્યું કે જો મુસ્લિમો તેમના વાસ્તવિક પ્રતિનિધિત્વને સમજે તો કોંગ્રેસ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ 100 લોકોને પણ એકત્ર કરી શકી ન હતી.
ઓવૈસીએ હિન્દી હાર્ટલેન્ડમાં રહેતા મુસ્લિમોને સ્થાનિક સંસ્થાઓ અને વિધાનસભા ચૂંટણીમાં આગળ આવવા અને દલિતો, આદિવાસીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો ત્રણ દાયકાથી પદ પર છે પરંતુ તેમના વિસ્તારમાં શિક્ષણ અને માળખાગત સુવિધાઓમાં સુધારો કરી શક્યા નથી. આ કારણોસર મુસ્લિમોનો સાક્ષરતા દર ઓછો છે. જ્યારે ઓવૈસીને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડીને પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા દો.