વિધાનસભા ઘેરવાના પ્રયાસ, પથ્થરમારામાં પોલીસકર્મી લોહીલુહાણ, અમિત ચાવડા સહિતના કોંગીઓની અટકાયત

ગાંધીનગર: વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગ્રેસ કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગી ધારાસભ્યો, ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ સત્યાગ્રહ છાવણીથી માર્ચ કરી હતી.

પથ્થરમારો- કાર્યકરોએ પોલીસ વાહનના ટાયરની હવા કાઢી

વિધાનસભા તરફ માર્ચ કરતાં કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો અને ધારાસભ્યો કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી અને માર્ચ કરનાર ઘવાયા હતા. વિઘાનસભાને ઘેરવા જઈ રહેલા કોંગી કાર્યકરો સહિતનાઓની અટકાયત બાદ તેમને પોલીસ વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકરોને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરાતાં કોંગી કાર્યકરોએ પોલીસ વાહનોના ટાયરની હવા કાઢી નાંખી હતી.

ચાવડાને કારમાં સારવાર માટે ખસેડાયા તો પોલીસકર્મીને ક્યાંય નહીં

વિધાનસભા તરફ માર્ચ કરી રહેલા કોંગી પ્રમુખ અમિત ચાવડાને પણ અગમ્યકારણોસર હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. તેમને કારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પથ્થરમારામાં લોહીલુહાણ થયેલા પોલીસકર્મીને કોઈ સારવાર મળી ન હતી અને તેને ફરજ પર રહેવું પડ્યું હતું.

બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર

ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ આજે મંગળવારથી થઇ રહ્યો છે. કોંગ્રેસે સત્રના પ્રથમ દિવસે જ ખેડૂત આક્રોશ રેલી તથા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમને પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી લઇને વિધાનસભા- સચિવાલય સંકુલમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસનું ખેડૂત આક્રોશ સંમેલન

બીજી તરફ ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે. સવારે ગાંધીનગર સેક્ટર-6 ખાતેના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનું ખેડૂત આક્રોશ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે વિધાનસભાના ઘેરવા માટે આગળ વધ્યા હતાં. બીજીતરફ રેલીને આગળ વધતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રથમ દિવસે વાજપેયીને શ્રદ્ધાંજલિ બાદ ગૃહ મુલત્વી

સત્યાગ્રહ છાવણીથી લઇને ગાંધીનગરના વિવિધ વિસ્તારો તેમજ વિધાનસભા- સચિવાલય સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિધાનસભાનું સત્ર મળ્યું હતું. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ઉપરાંત અવસાન પામેલા વિધાનસભાના અન્ય 9 જેટલા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું.

કોને શોકાંજલિ અર્પાઈ

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી, પૂર્વ મંત્રી સ્વ. અમરસિંહ ભૂપતસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી સ્વ. હરીલાલ નારજી પટેલ તથા પૂર્વ ધારાસભ્યો સ્વ. શંકરદાસ રામદાસ મકવાણા, સ્વ. નારસિંહભાઈ ધનજીભાઈ પઢિયાર, સ્વ. મહંમદ હાફેજી ઈસ્માઈલ પટેલ, સ્વ. મણિભાઈ રામભાઈ રામજીભાઈ ચૌધરી, સ્વ. ઈકબાલભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ, સ્વ. ગુલસિંગભાઈ રંગલાભાઈ રાઠવા અને સ્વ. અરવિંદસિંહ દામસિંહ રાઠોડને શોકાંજલિ અર્પાઈ હતી.

6 વિધેયક રજૂ થશે

બુધવારે બે બેઠક યોજાશે જેમાં પ્રશ્નોત્તરી ઉપરાંત 6 જેટલા વિધેયક સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. મંજૂરી વિના ચાલતી શાળા કે પ્રશ્નપત્ર લીક થવા જેવા કિસ્સામાં સજા અને દંડની વધુ કડક જોગવાઇઓ સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, ચેન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ સાથેનું વિધેયક, જીએસટીકાઉન્સિલ દ્વારા કરાયેલા સુધારા સૂચવતું જીએસટી વિધેયક, ફ્લેટના 75 ટકા સભ્યો સંમત હોય તો રીડેવલપમેન્ટની મંજૂરી આપતું માલિકી ફ્લેટ અધિનિયમ વિધેયક, નગરપાલિકા કમિશનરની રચનાના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા નગરપાલિકા સુધારા વિધેયક તેમજ રાજ્યમાં બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું વિધેયક રજૂ થશે.

કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી

વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં સરકારને વિધાનસભાની બહાર અને અંદર બંને રીતે ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ સંમેલન, વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ ઉપરાંત ગુજરાત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તની નોટીસ પણ દાખલ કરી હતી પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે. પટેલે જણાવ્યું હતું કે, બે દિવસનું સત્ર છે જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે પુરતી વૈધાનિક અને ટેકનિકલ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી જેથી આ પ્રસ્તાવ આ સત્રમાં આવી શકે તેમ નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here