અન્ય દેશોમાં ભલે કોરોનાના કેસ વધી રહ્યા હોય પરંતુ ભારતમાં રોગચાળાની ગતિ ધીમી પડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 625 કેસ નોંધાયા છે. અત્રે એ નોંધનીય છે કે 9 એપ્રિલ 2020 પછી આટલા ઓછા કેસ નોંધાયા છે. તો 2020 પછી આવા પ્રથમ કિસ્સામાં 24 કલાકના સમયગાળામાં કોઈ મૃત્યુ થયું નથી. સવારે 8 વાગ્યે અપડેટ થતાં, દેશમાં ચેપની સંખ્યા વધીને 4,46,62,141 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 14,021 થઈ ગયા છે. મૃત્યુઆંક 5,30,509 પર છે.
9 એપ્રિલ, 2020ના રોજ એક જ દિવસમાં કુલ 540 નવા કેસ નોંધાયા હતા. માર્ચ 2020 પછી આવી પ્રથમ ઘટનામાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોઈનું મોત થયું નથી. કર્ણાટકના કાલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિ ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ શિકાર બન્યો હતો. આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ, સક્રિય કેસોમાં કુલ કેસના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ વધીને 98.78 ટકા થઈ ગયો છે.
આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,17,611 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો હતો. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 219.74 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોવિડ-19ની સંખ્યા 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23મી ઓગસ્ટના રોજ 30 લાખ 5મી સપ્ટેમ્બરે 40 લાખ અને 16મી સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગઈ હતી. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખને પાર કરી ગયો હતો. 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો. ભારતમાં 4 મેના રોજ 2 કરોડ, ગયા વર્ષે 23 જૂનના રોજ 3 કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ 4 કરોડ કેસનો આંકડો પાર થયો હતો.