કોરોનાના લીધે માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને લઈને બોર્ડ દ્વારા લેવામાં આવ્યો આ મહત્વપૂર્ણ નિર્ણય

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીને લીધે જે વિદ્યાર્થીએ માતાપિતા ગુમાવ્યા છે તેની પાસેથી બોર્ડની પરીક્ષાની ફી વસૂલ કરવામાં આવે નહીં.

નોંધનીય છે કે, મહામારીને લીધે અનેક વ્યવસાય અને નોકરીઓને માઠી અસર જોવા મળી છે. જેના કારણે માતા-પિતા તથા વિદ્યાર્થીઓ તરફથી સતત પરીક્ષાને લગતા ચાર્જીસમાં છૂટ આપવાની માંગ કરવામાં આવી રહી હતી.

જ્યારે CBSE દ્વારા સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે અનેક માઠી અસર થઈ છે. વિદ્યાર્થીઓ પર થયેલી અસરને ધ્યાનમાં રાખીને CBSE દ્વારા શૈક્ષણિક સત્ર 2021-22 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, એવા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ પરીક્ષા ચાર્જીસ અને નોંધણી ચાર્જીસ વસૂલ કરવામાં નહીં આવે કે જેમણે પોતાના બન્ને માતા-પિતા અથવા દત્તક માતાપિતાને કોરોનાને લીધે ગુમાવ્યા છે.

તેની સાથે હાલમાં શાળાને ધોરણ 10 અને 12 માટે વિદ્યાર્થીઓની યાદી 30 સપ્ટેમ્બર સુધી વિલંબ વગર ફી તથા 9 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે મોકલવાનું કહેવામાં આવેલ છે. નોંધનીય છે કે, અરજીકર્તા માટે વિદ્યાર્થીઓને અગાઉના નિયમો અનુસાર બોર્ડ પરીક્ષા ચાર્જીસની ચુકવણી કરવી પડશે.

પાંચ વિષયો માટે પ્રત્યેક ઉમેદવારને રૂપિયા 1500 અને રૂપિયા 1200 સુધી સામાન્ય ચાર્જીસ જમા કરાવવાના હોય છે. જ્યારે CBSE દ્વારા આ વર્ષે સિલેબસને બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેની પરીક્ષા બે ટર્મમાં યોજાશે.

નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાની ટર્મ-1 ની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો હશે, જેમાં કેસ આધારિત એમસીક્યૂ તથા તર્ક આધારિત એમસીક્યુનો સમાવેશ થાય છે. આ પરીક્ષા 90 મિનિટની હોય છે. જ્યારે બીજી ટર્મમાં કેસ આધારિત, સ્થિતિ-આધારિત, ઓપન એન્ડેડ પ્રશ્નો સાથે લઘુ અને દીર્ઘ ઉત્તર બન્ને પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પેપર માટેનો સમય બે કલાક રખાયો છે. તેમ છતાં કોવિડ-19 મહામારીની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માર્ચમાં ટર્મ-2 ની પરીક્ષા 90 મિનિટની જ રહેશે, જેમાં એમસીક્યુ-આધારિત પ્રશ્ન પૂછાશે.

Scroll to Top