દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. એવી આશંકા છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ 181% નો વધારો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસની સંખ્યા 33 હજારને પાર
છેલ્લા 24 કલાકમાં જ દેશમાં 33703 કેસ નોંધાયા છે. તેમાં હાલમાં બે રાજ્યોના આંકડા સામેલ નથી. આ શનિવારના 27 હજાર 747 કેસ કરતાં 21% વધુ છે. રવિવારે નોંધાયેલા કુલ કેસ ગયા રવિવાર (6542 કેસ) કરતા પાંચ ગણા વધુ છે. આ દર્શાવે છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.
રોગચાળાની શરૂઆત પછી આ સૌથી ઝડપી ઉછાળો
દેશમાં એક સપ્તાહ (27 ડિસેમ્બર-જાન્યુઆરી 2) દરમિયાન લગભગ 1.3 લાખ નવા કેસ નોંધાયા છે. આ છેલ્લા 12 અઠવાડિયા દરમિયાન સૌથી વધુ છે. રોગચાળાની શરૂઆત પછી દેશમાં સંક્રમણના કેસનો સંખ્યામાં આ સૌથી ઝડપી સાપ્તાહિક ઉછાળો હતો. અગાઉનો સૌથી વધુ વધારો એપ્રિલ 5-11, 2021માં બીજી લહેર દરમિયાન 71% નોંધાયો હતો. ગયા અઠવાડિયે દેશમાં કોરોનાના 46,073 કેસ નોંધાયા હતા. મધ્ય મે 2020 પછીના કેસોની આ સૌથી ઓછી સંખ્યા હતી.
મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હીમાં વધુ ટેન્શન
સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો ઉછાળો મહારાષ્ટ્રમાં નોંધાયો છે. એક સપ્તાહ દરમિયાન અહીં 41,980 કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે આ દેશભરમાંથી નોંધાયેલી ગણતરીની નજીક હતો. મહારાષ્ટ્રમાં આ સપ્તાહની સંખ્યા ગયા સપ્તાહ (8,292) કરતાં પાંચ ગણી વધારે હતી. ટકાવારીની દ્રષ્ટિએ બિહારમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. 20-26 ડિસેમ્બરના સપ્તાહમાં અહીં કોરોનાના કેસ 85 થી વધીને 1,073 થઈ ગયા છે. આ લગભગ 12 ગણો વધારો હતો.
બંગાળમાં બીજા નંબરના સૌથી વધુ સાપ્તાહિક કેસ 18,524 નોંધાયા છે. અહીં તે અગાઉના સપ્તાહના 3,550 કરતાં પાંચ ગણા વધુ હતા. દિલ્હીમાં અઠવાડિયામાં 10,769 નવા કેસ સાથે નવ ગણો વધારો નોંધાયો છે જે છેલ્લા સાત દિવસમાં 1,155 હતો. ઝારખંડની સંખ્યા પણ 326થી લગભગ નવ ગણી વધીને 2,879 થઈ છે.