કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીએ લાખો લોકોનો જીવ પણ લીધા છે. કરોડો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને તેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. તેના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જ્યારે હવે ચીનની વુહાન લેબનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ચીન જીવતા ચામાચીડિયાને કેદ કરીને રાખી રહ્યું છે. જેના લીધે મોટાભાગના દેશો અને નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો હતો.
આ સંદર્ભમાં દરરોજ નવા પુરાવાઓ સામે આવી રહ્યા છે જેમાં આ દાવાઓને મજબૂતાઇ મળી રહી છે. આ વીડિયોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની તપાસ પર પણ સવાલ ઉભા કરી નાખ્યા છે. જેને લઇને તેમણે જણાવ્યું હતું કે, એમ કહેવું મુશ્કેલ હશે કે, આ વાયરસ આ લેબમાંથી જ નીકળ્યો છે. આ સંબંધમાં ડબલ્યૂએચઓની ટીમ વુહાન પણ જઈ હતી પરંતુ ચીનના અધિકારીઓ દ્વારા સતત ટીમ પર નજર રાખવામાં આવી રહી હતી. ટીમને જરૂરી ડેટા પણ અપાયો નહોતો. હવે જે વીડિયો સામે આવી રહ્યો છે તે વર્ષ 2017નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે કોરોના વાયરસ મહામારીની શરૂઆત પહેલાનો છે.
જાણકારોના આધારે ચાઇના એકેડમી ઓફ સાયન્સના આ સતાવાર વીડિયો જાહેર કરતા અગાઉ પણ વુહાન લેબમાં બાયોસેફ્ટી લેવલ 4 ના રીતે સૂરક્ષા શરૂ કરાઈ હતી. વીડિયોમાં વૈજ્ઞાનિકો ચામાચીડિયાને કીડા ખવડાવતા જોવા મળી રહ્યા છે. જેમાં વૈજ્ઞાનિકોના ઇન્ટરવ્યૂ પણ છે અને આ લેબના નિર્માણને કેન્દ્રિત કરતા બનાવવામાં આવ્યો છે. આ અગાઉ ડબલ્યૂએચઓના રિપોર્ટમાં આવો કોઈ દાવો નહોતો કે, લેબમાં ચામાચીડિયા રાખવામાં આવી રહ્યા છે. તેમાં માત્ર પશુઓ રાખવાનો ઉલ્લેખ કરાયો હતો.
આ બાબતમાં ડબલ્યૂએચઓના નિષ્ણાત પીટર દસ્ઝાકે વુહાન લેબમાં ચામાચીડિયા રાખવાની વાતે કાવતરુ ગણાવ્યું હતું. આ વીડિયોની શોધ DRASTIC નામની ટીમ દ્વારા કરવામાં આવી હતી જે પોતાને શોધ કરનાર જણાવે છે. આ લોકો કોરોના વાયરસની ઉત્પતિની શોધ લગાવવાનું કામ પણ કરી રહયા છે. તાજેતરમાં અમેરિકાની અનેક જાસૂસી રિપોર્ટમાં પણ દાવો કરાયો હતો કે, મહામારીની શરૂઆત અગાઉથી આ લેબમાં ત્રણ લોકો કોવિડ જેવા લક્ષણો સાથે બીમાર પડી ગયા હતા. એક અન્ય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીને બાયો હથિયાર તરીકે કોરોના વાયરસને તૈયાર કર્યો છે.