ઇતિહાસમાં પ્રથમ વાર સીંગતેલ કરતા કપાસિયા તેલ થયું મોંઘુ, જાણો શું છે તેની પાછળનું કારણ..

હાલના સમયગાળામાં મોંઘવારીએ માજા મૂકી છે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલ, શાકભાજી સહિત તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જયારે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આશ્ચર્યચકિત કરનારી વાત કરવામાં આવે તો, અત્યારે સિંગતેલના ભાવ કરતાં કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલમાં ભાવ વધવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તેની સાથે જ ફરસાણના ભાવોમાં પણ તોતીંગ ભાવ વધારો થયો છે.

તેની સાથે આવનારા દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે તેની સાથે રક્ષાબંધન, સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારો પણ નજીક રહેલા છે. આવા સમયમાં લોકો પોતાના ઘરમાં ફરસાણ અને મિસ્ટાન બનાવતા હોય છે. જયારે ઘણા લોકો ફરસાણ અને મિસ્ટાન જેવી વસ્તુઓ તૈયાર કરી ખરીદી કરતા હોય છે તો તેની સાથે જ તહેવારો સમયે લોકો બજારોમાં જમવા પણ જાય છે.

આવા સમયમાં કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને જેને કારણે મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવો પડે રહ્યો છે. જેમાં પણ અત્યાર સુધી સિંગતેલના ભાવ ઊંચા રહેતા હતા જેના કારણે સિંગતેલ ખાવા વાળો એક અલગ વર્ગ રહેતો હતો અને મધ્યમ વર્ગ કપાસિયા તેલનો ઉપયોગ કરનાર હતો. પરંતુ હવે કપાસિયા તેલ સિંગતેલ કરતાં મોંઘુ થતાં મધ્યમ અને ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. લોકોને હવે એ જ ખ્યાલ નથી આવતો કે પોતાના ઘરના બજેટ ચલાવવા કયા તેલનો ઉપયોગ કરે.

સામાન્ય રીતે અત્યાર સુધી સિંગતેલનો ભાવ સૌથી વધુ રહેતો પરંતુ અત્યારના સમયમાં કપાસિયા તેલ સિંગતેલ કરતાં પણ મોંઘું થઈ રહ્યું છે. જે સમયે સિંગતેલનો ભાવ 1200 થી 1500 રૂપિયા રહેતો હતો ત્યારે કપાસિયા તેલનો ભાવ 800 થી 900 રૂપિયા બન્યો રહેતો હતો. હાલ સિંગતેલના 2200 થી 2400 રૂપિયા રહેલ છે ત્યારે કપાસિયા તેલમાં 2450 થી 2550 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે.જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Scroll to Top