સુરતમાં થોડા સમય પહેલા એરપોર્ટના રનવે પર ભેંસ અને વિમાનની ટક્કર થઈ ગઈ હતી. હવે આવું જ કંઈક અમદાવાદમાં થતાં-થતાં રહી ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ તો ઘણી વાર બની ગઈ છે, પરંતુ આ વખતે એક નીલગાય રનવે સુધી પહોંચી જતાં એરપોર્ટનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો.
આ ઘટના બુધવારે રાત્રે બની હતી. નીલગાય છેક રનવે સુધી પહોંચી જતાં એરપોર્ટ પર વિમાનોની અવરજવર તાત્કાલિક અસરથી રોકી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટોનો ટ્રાફિક જ વધારે રહેતો હોય છે, તેવામાં નીલગાય રનવે પાસે દેખાતા દોઢ કલાક સુધી વિમાનોની અવરજવર અટકાવી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે એક નીલગાય રનવે પર પહોંચી ગઈ હતી. જેના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટોના આવાગમનને અસર થઈ હતી. આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે, અને તેનો રિપોર્ટ પણ મગાવાયો છે.
અમદાવાદ એરપોર્ટની આસપાસનો મોટાભાગનો વિસ્તાર વગડા જેવો છે, તેવામાં અહીં ફરતી નીલગાય એરપોર્ટની કોઈ જગ્યાએથી તૂટેલી બાઉન્ડ્રી વોલમાંથી અંદર ઘૂસી ગઈ હોવાની શક્યતા છે. આ ઘટનાને સુરક્ષાની ગંભીર ચૂક માનવામાં આવી રહી છે, કારણકે એરપોર્ટ પર એક તરફ સીઆઈએસએફની સિક્યોરિટી હોય છે, બીજી તરફ બાઉન્ડ્રી વોલમાં જ નીલગાય ઘૂસી જાય તેવું મોટું બાકોરું હોય તો એરપોર્ટની સુરક્ષા તેનાથી જોખમાવાની પૂરી શક્યતા છે.