વડોદરાના બેટ્સમેન વિષ્ણુ સોલંકી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ યુવા બેટ્સમેને તાજેતરમાં જ તેની નવજાત દીકરી ગુમાવી હતી. તે આ દુ:ખમાંથી બહાર નીકળી શક્યો ન હતો કે આ દરમિયાન તેના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. વિષ્ણુ સોલંકીના પિતાનું 27 ફેબ્રુઆરીને રવિવારે અવસાન થયું.
રિપોર્ટ અનુસાર, વિષ્ણુ સોલંકીને તેના પિતાના મૃત્યુના સમાચાર રવિવારે સવારે મળ્યા. પરંતુ, તેણે પોતાની ટીમ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપી અને આખી મેચ રમી. તમને જણાવી દઈએ કે, વિષ્ણુ સોલંકી રણજી ટ્રોફી 2022માં વડોદરા તરફથી રમી રહ્યો છે. શનિવારે તેણે ચંદીગઢ સામે શાનદાર સદી ફટકારી હતી.
વડોદરા અને ચંદીગઢ વચ્ચેની મેચના છેલ્લા દિવસે સોલંકી પોતાના ઘરથી દૂર મેદાનમાં હતો. વડોદરા અને ચંદીગઢની આ મેચ ડ્રો પર ખતમ થઈ હતી.
દીકરીના મૃત્યુ બાદ તે મેદાનમાં પાછો ફર્યો અને સદી ફટકારી
વિષ્ણુ સોલંકીએ તાજેતરમાં જ તેમની નવજાત દીકરી ગુમાવી હતી. દીકરીને અંતિમ વિદાય આપીને મેદાનમાં પરત ફરેલા સોલંકીએ શનિવારે રણજી મેચમાં વડોદરા તરફથી રમતા ચંદીગઢ સામે સદી ફટકારી હતી. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા સોલંકીએ 161 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા.