લો બોલો, કસ્ટમ અધિકારીઓ યુવકને મોઢું ખોલવાનું કહ્યું તો 4.5 લાખનું સોનું બહાર આવ્યું, પછી જોવા જેવું થયું…

ઘણી વખત એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન ચોંકાવનારી બાબતો સામે આવી જતી હોય છે. તેવી જ એક બાબત બેંગ્લોરથી સામે આવી છે. જેમાં બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા 42 વર્ષીય સોનાના તસ્કરની અટકાયત કરવામાં આવી છે. આ તસ્કર પોતાના મોઢામાં સોનું છુપાવીને લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એરપોર્ટના સુત્રો મુજબ આ ઘટના ગુરુવારના બની હતી.

નોંધનીય છે કે, આરોપી તસ્કર ચેન્નાઈનો રહેવાસી છે અને તે બુધવારની સાંજે દુબઈથી બેંગ્લોર એરપોર્ટ આવ્યો હતો. તેમાં સાડા ચાર લાખ રુપિયાની કિંમતના 100 ગ્રામ સોનાના બે ટુકડા તેણે છુપાવીને રાખ્યા હતા. જ્યારે બેંગ્લોર કસ્ટમમાં એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા આરોપીને રોકવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓને શંકા ગઈ કે, આરોપીને વાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યાર બાદ તેમણે મોઢાની તપાસ કરી તો અંદરથી સોનાના બે ટુકડા મળી આવ્યા હતા.

ત્યાર બાદ અધિકારીઓ દ્વારા તેના પર કસ્ટમ ડ્યુટીથી બચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓને આ સિવાય તસ્કરે જે ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હતો તેમાં 49.6 લાખ રુપિયાની કિંમતના એક કિલોગ્રામથી વધારે વજનના 15 સોનાના ટુકડા પણ મળી આવ્યા હતા. હવે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, શું આ જ વ્યક્તિએ સોનાના ટુકડા ફ્લાઈટમાં મુક્યા હતા. તે દુબઈથી સોનુ લઈને આવ્યો હોય અને કોઈ કારણોસર ફ્લાઈટમાં જ મૂકીને નીકળી ગયો હોય તેવું બની શકે છે.

જ્યારે આ બાબતમાં ફ્લાઈટની વાત કરવામાં આવે તો ફ્લાઈટ બુધવારના રોજ દુબઈથી બેંગ્લોર આવી હતી. આરોપી વ્યક્તિએ અધિકારીઓને કહ્યું હતું કે, તે 14 ઓક્ટોબરના રોજ ચેન્નાઈથી દુબઈ પહોંચ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા આ પ્રકારના નેટવર્કને શોધવા માટે આગળની તપાસ શરુ કરવામાં આવી છે.

Scroll to Top