દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ 2020માં વધ્યા ગુનાઓ, આ રાજ્યો છે ટોપ પર: NCRB

દેશમાં દરરોજ બનતા ગુનાઓને લઈને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા હાલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એનસીઆરબીએ કહ્યું છે કે વર્ષ 2020 માં દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ ગુનામાં વધારો થયો છે. આ બે સમુદાયો સામે યુપી અને મધ્યપ્રદેશમાં ગુનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

એનસીઆરબી દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગયા વર્ષે દેશમાં અનુસૂચિત જાતિ (એસસી) સામે થયેલા ગુનાઓ માટે 50,291 કેસ નોંધાયા હતા. વર્ષ 2019 ની સરખામણીમાં આ ગુનાઓમાં 9.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2019 માં SC સામે થયેલા ગુનાઓ માટે કુલ 45,961 કેસ નોંધાયા હતા. એનસીઆરબીએ વધુમાં કહ્યું છે કે વર્ષ 2020 માં ગુનાખોરીનો દર 22.8 પ્રતિ લાખ જનસંખ્યાથી વધીને 25 પ્રતિ લાખ જનસંખ્યા થઇ ગયો હતો.

SC માટે સૌથી વધુ કેસો

એનસીઆરબીના આંકડા મુજબ, વર્ષ 2020 દરમિયાન એસસી સામેના ગુના અથવા અત્યાચારનો સૌથી વધુ ભાગ સામાન્ય રીતે ઈજા પહોંચડવાનો રહ્યો અને આવા 16,543 (કુલ કેસોના 32.9 ટકા) કેસ નોંધવામાં આવ્યા છે. આ પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ 4,273 કેસ (8.5 ટકા) જયારે ‘ગુનાહિત ધમકી’ ના 3,788 (7.5 ટકા) કેસ સામે આવ્યા છે. આંકડા પરથી ખબર પડે છે કે અન્ય 3,372 કેસ બળાત્કાર માટે, નમ્રતા ભંગ કરવાના ઇરાદા સાથે મહિલાઓ પર હુમલા માટે 3,373, હત્યા માટે 855 અને હત્યાના પ્રયાસ માટે 1,119 કેસ નોંધાયા છે.

અનુસૂચિત જનજાતિ સામે પણ ગુનાઓ વધ્યા

જયારે, અનુસૂચિત જનજાતિ (ST) સામેના ગુનાઓ કરવા માટે કુલ 8,272 કેસ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2019 માં આવા કેસોની સંખ્યા 7,570 હતી. એટલે કે 2019 અને 2020 ની સરખામણીમાં આવા કિસ્સાઓમાં 9.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરનાર એનસીઆરબીએ જણાવ્યું હતું કે વર્ષ 2019 માં ગુનાખોરીનો દર 7.3 પ્રતિ લાખ વસ્તી હતી, જ્યારે 2020 માં તે વધીને 7.9 પ્રતિ લાખ વસ્તી થઈ હતી. વર્ષ 2020 દરમિયાન, અનુસૂચિત જનજાતિ સામેના ગુનામાં સૌથી ઓછી સંખ્યામાં નાની -મોટી ઇજાઓ થઇ અને આવા 2,247 (27.2 ટકા) કેસ નોંધવામાં આવ્યા. આ પછી બળાત્કારના 1,137 (13.7 ટકા) કેસો, મહિલાઓ પર તેમની નમ્રતાને ભંગ કરવાના ઉદ્દેશથી હુમલો કરવાના 885 (10.7 ટકા) કેસ સામે આવ્યા.

કયા રાજ્યમાં કેટલા નોંધાયા કેસ?

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ષ 2020 માં SC વિરુદ્ધ થયેલ ગુનાઓ સૌથી વધુ 12,714 કેસ (25.2 ટકા) માં ઉત્તર પ્રદેશમાંથી હતા. બીજા નંબરે બિહાર રહ્યું હતું જ્યાં 7,368 (14.6 ટકા) કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં 7,017 (13.9 ટકા), મધ્યપ્રદેશમાં 6,899 (13.7 ટકા) કેસ સામે આવ્યા. જ્યારે મહારાષ્ટ્રમાં 2,569 (5.1 ટકા) અને દિલ્હીમાં વર્ષ 2020 માં 69 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કુલ વર્ષ 2019 માં 76 કેસ નોંધાયા હતા.

Scroll to Top