GujaratSouth GujaratSurat

દીકરીને જન્મ બાદ પહેલીવાર ઘરે લાવવા કાઢ્યો વરઘોડો, પટેલ પરિવારે કરી અનોખી દીકરી જન્મની ઉજવણી

ઓલપાડના પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી

સુરતઃ ઓલપાડના પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી છે. પટેલ પરિવારને ત્યાં જન્મના સવા મહિને ઘરે આવી રહેલી દીકરીને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢી ધામધૂમથી લાવવામાં આવી હતી. જેના માટે ઘર બહાર અવનવી દીકરી દિલનો દીવો, પાપાની લાડોના લખાણ સાથેની રંગોળીઓ પણ ચિતરવામાં આવી હતી.

દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી

આજે દીકરાની સરખામણીએ દીકરીના જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. દરેક પરિવારને વહુ તો જોઇએ છે પરંતુ દીકરી નથી જોઇતી. મહિલાઓ પુરુષ સમોવડી બની રહી હોવાની ગુલબાંગ વચ્ચે આજે પણ સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા સમાજમાં સંકલ્પ લેવડાવવા પડે છે. એટલું જ નહીં દીકરી પણ દીકરા સમાન જ છે તેવું જાહેરાતના માધ્યમથી ખુદ સરકારે કહેવું પડી રહ્યું છે. ત્યારે ઓલપાડના દિહેણના પટેલ પરિવારને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમણે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી હતી.

લક્ષ્મીના જન્મને વધાવી લીધો

ઓલપાડના દિહેણ ગામ ખાતે રહેતા રાકેશ ઈશ્વરભાઈ પટેલની પત્ની ધર્મિષ્ઠાએ 4-10-2018ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે જ રાકેશે નક્કી કરી લીધું હતું કે, મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. જેથી જ્યારે તે પહેલીવાર ઘરે આવે ત્યારે તેને ધામધૂમથી લઈ આવવી છે. જેને આજે સવા મહિનો થતા માતા અને દીકરીને પરિવારના 25 જેટલા સભ્યો સાસરે લઈ આવતા હતા. દરમિયાન રાકેશ ફોન કરી કહ્યું હતું કે, ગામના પાદરમાં પહોંચી ફોન કરજો અને ત્યાં જ ઉભા રહેજો. માતા અને દીકરી અને તેના પરિવારને કંઈ જાણ ન હતી. જોકે, જ્યારે પત્ની અને દીકરીને ઢોલ નગારા સાથે લેવા આવી પહોંચતા તમામ લોકો આશ્વર્યચકિત થઈ ગયા હતા.

દીકરીના સ્વાગત માટે ઘરને શણગાર

દીકરી પહેલીવાર ઘરે આવતી હોવાથી દિહેણ ગામના લોકો પણ ઉજવણીમાં જોડાયા હતા. ઘરના ફળીયાથી લઈને તમામ જગ્યાઓને શણગાર કરવામાં આવ્યો હતો. દીકરી દિલની દીવો, પાપની લાડો જેવી રંગોળીઓથી ઘરનું આંગણું શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ દીકરીને વરઘોડા રૂપે ઘરે લાવવામાં આવી હતી.

વરઘોડો કાઢી સરપ્રાઈઝ આપી

રાકેશે જણાવ્યું હતું કે, દોઢ વર્ષના લગ્ન જીવનમાં દીકરી અવતરી છે. જેને મે લક્ષ્મી માની હિયા નામ આપ્યું છે. અને લક્ષ્મી પહેલીવાર ઘરે આવતી હોવાથી તેની અનોખી ઉજવણી કરી હતી. વરધોડા રૂપે પત્ની અને દીકરીને સરપ્રાઈઝ આપી લેવા પહોંચ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker