ઘણા સમયથી ચાલી રહી છે લગ્નની વાતો
બોલિવૂડનાં હોટ કપલ્સમાં સામેલ દીપિકા પદૂકોણે અને રણવીર સિંહના લગ્નની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. બંને છેલ્લાં ઘણાં વર્ષોથી ડેટ કરી રહ્યાં છે, પરંતુ ક્યારેય પણ બંનેમાંથી એકેયે તેમના અફેર વિશે જાહેરમાં વાત કરી નથી અને હવે લગ્નની વાતો પર પણ કોઈ સ્પષ્ટતા કરી રહ્યાં નથી.
જોકે હવે જે અહેવાલ આવ્યા છે તે મુજબ દીપિકા અને રણવીરનાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મફેરના અનુસાર, દીપિકા અને રણવીર આ વર્ષે 19 નવેમ્બરે લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા અને રણવીરનાં માતાપિતાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ
જો આ અહેવાલ સાચા હોય તો હવે જોવાનું એ રહેશે કે દીપિકા અને રણવીર તેમના લગ્નનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ક્યારે કરે છે. આ વર્ષે માર્ચમાં એવા સમાચાર આવ્યા હતા કે રણવીર અને દીપિકા ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે છે અને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, તેઓ સાઉથ ઇન્ડિયન રીતિરિવાજોની સાથે જ પંજાબી રીતિરિવાજ મુજબ પણ લગ્ન કરશે.
દીપિકા અને રણવીર એકબીજાને ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. દીપિકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણવીરની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રણવીર ઊર્જાથી ભરપૂર હોવાની સાથે તેનામાં ઘણું બધું છે. તે એક સારી વ્યક્તિ તો છે જ, તેનું મન પણ ઉદાર છે.’
કંઈક આવું રણવીરનું છે. તે મોટે ભાગે દીપિકાની તસવીરો પર પોતાનો ઇઝહાર-એ-દિલ વ્યક્ત કરતો રહે છે. ફિલ્મની વાત કરીએ તો દીપિકા શાહરુખ ખાન સ્ટારર ‘ઝીરો’માં નજરે પડશે, જ્યારે રણવીર સિંહ આજકાલ ‘સિમ્બા’ની તૈયારીઓમાં વ્યસ્ત છે.