દિલ્હી સરકાર દ્વારા રાજધાની દિલ્હીમાં 1 નવેમ્બરથી તમામ વર્ગો માટે કેટલીક શરતો સાથે ખાનગી અને સરકારી શાળાઓને ખોલવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગ પર દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દરમિયાન કોઈ પણ શાળા દ્વારા બાળકોને વર્ગમાં જવા માટે દબાણ કરી શકાશે નહીં. શાળાઓ દ્વારા સુનિશ્ચિત કરી શકાશે કે અભ્યાસ ઓફલાઈન અને ઓનલાઈન ચલાવવામાં આવે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, 1 નવેમ્બરથી દિલ્હીની તમામ શાળાઓને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે, કોઈ પણ વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલવા માટે દબાણ ન કરવું જોઈએ. તમામ શાળાઓએ ખાતરી કરવી પડશે કે, વર્ગોમાં 50 ટકા ક્ષમતાની મહત્તમ હાજરી જ રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા ખોલવાનો નિર્ણય ડીડીએમએની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. તેની સાથે છઠ પૂજાના આયોજનની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, શાળાના સ્ટાફે 100 % વેક્સીન લીધેલી હોવી જોઈએ. પ્રાપ્ત માહિતી મુજબ, 98 % સ્ટાફે ઓછામાં ઓછો 1 ડોઝ લીધેલો છે.
સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વખતે છઠ પૂજા દિલ્હીમાં થશે. દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, છઠ પૂજા દિલ્હીમાં જરૂર થશે. પરંતુ તેના માટે નિયમો સખ્ત હશે. તેનું આયોજન અમુક નિશ્ચિત સ્થળો પર જ કરી શકાશે.
તમને જણાવી દઈએ કે, ડીડીએમ દ્વારા દિલ્હીમાં ધોરણ 9 થી 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 1 સપ્ટેમ્બરથી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમ છતાં વર્ગમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ માટે માતાપિતાની સંમતિ જરૂરી છે. તેની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખવામાં આવેલ છે.