ઇન્દોર પોલીસ દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ યુવક દેશભરમાં નેટવર્ક ચલાવી રહ્યો હતો અને ઇન્દોરમાં હ્યુમન ટ્રાફિકના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ પણ હતો.
એક વર્ષ પહેલા ઈન્દોરની એક હોટલમાં ૧૭ જેટલી યુવતીઓને બંધક બનાવી રાખવાના ગુનામાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે એક આરોપી પોલીસ પકડથી બહાર હતો તેને સુરત એસઓજીની પોલીસની મદદથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
દેશભરમાં દેહવિક્રયનો ધંધો ચલાવનાર અને ઈન્દોરના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી સુરતમાં હોવાની જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ હતી. આ જાણકારી મુજબ, ઇન્ટર પોલીસની એક ટીમ સુરત આવી પહોંચી અને સુરત એસઓજી પોલીસની મદદથી સુરતના લિંબાયત વિસ્તારમાં આરોપીનો મોબાઈલ નંબર મળતા તેના લોકેશન આધારે કાર્યવાહી હાથ ધરતા લિંબાયતના શ્રીનાથ સોસાયટી પાસેથી મનીરૂલ ખાલેક ગાઝીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, વોન્ટેડ આરોપી મનીરૂલ ગાઝી છેલ્લા આઠેક વર્ષથી સુરતમાં રહીને ભંગારનો ધંધો કરી રહ્યો હતો. તે પશ્રિમ બંગાળ-બાંગ્લાદેશથી સગીરાઓને ફસાવીને દેહવિક્રયના ધંધામાં ધકેલતો હતો. આરોપીઓ પ.બંગાળ અને બાંગ્લાદેશની ગરીબ પરિવારની સગીરાઓને અને તેમના પરિવારને રૂપિયાની લાલચ આપીને પોતાની સાથે લઇ જતા હતા.
ત્યારબાદ તે લોકો આ સગીરાઓને બાંગ્લાદેશથી કોઇપણ રીતે ભારતમાં ઘુસાડતા અને ત્યારબાદ ટ્રેન મારફતે દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલીને આ સગીરાઓ સાથે દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા.
તેમ છતાં આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ પોલીસ દ્વારા એક વર્ષ અગાઉ જ કરી દેવામાં આવ્યો હતો. આ બાબતમાં પોલીસ દ્વારા આજથી એક વર્ષ પહેલા ઇન્દોરના મહાલક્ષ્મી નગરની મોહિત હોટલમાં પોલીસ દ્વારા દરોડા પાડી 17 બંધક યુવતીઓને મુક્ત કરાવી 5 આરોપીઓને ઝડપી પાડી હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેમાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો અને આ આરોપી સુરતમાં હોવાની માહિતીના આધારે દરોડા પાડી પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથે મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા આરોપીને મધ્ય પ્રદેશ લઇ જવામાં આવ્યો છે.