મયુરસિંહ રાણાને માર મારવા બદલ એ ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ‘રાણો રાણાની રીતે’ ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી ફરાર થઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડને શોધી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસ દેવાયત ખવડનો અત્તો પત્તો લગાવી શકી નથી.
ડાયરામાં લોકોને પોતાની વાતથી પાનો ચઢાવતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દેવાયત ખવડ ભૂગર્ભમાં ઊતરી જતા તેમનો એક ડાયરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ વાયરલ થતાં હાલ દેવાયત ખવડ સોશિયલ મીડિયામાં રમૂજનું પાત્ર બન્યા છે.
પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધવામાં આવતાની સાથે જ પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દેવાયત ખવડના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાને પાંચ દિવસથી પણ વધુનો સમય વીતી ચૂક્યો હોવા છતાં દેવાયત ખવડ સહિત એક પણ આરોપી પોલીસ પકડમાં નથી આવ્યો. જેને લઇને ગઈકાલે મયુરસિંહ રાણા તરફના સમર્થકોએ તેમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવાની માંગ કરી હતી.