ગુજરાતમાં અકસ્માત ઘટનાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે તેવી જ એક ઘટના સામે આવી છે. મહેસાણામાં વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પરત ફરતા સમયે સામે આવી રહેલી ગાડીનું ટાયર ફાટતા પરિવારની કાર ઉપર પડતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ દરમિયાન કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં રહેનાર ફતેહખાન બ્લોચ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. જ્યારે તે પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા. ફતેહખાન બ્લોચ દીકરી માટે સગપણ જોવા માટે પોતાના સંબંધી સાહેલ ખાનની કારને લઈને ગયા હતા. આ કારમાં પાંચ લોકો રહેલા હતા. તેના વિશે વાત કરવામાં આવે તો તેમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનું અને મેમુનાબાનું તેમજ ફરીદાબાનું કુલ પાંચ લોકો કારમાં સવાર થયેલા હતા.
જ્યારે ફતેહખાન બ્લોચ દીકરીનું સગપણ જોઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નંદાસણ નજીક ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય કાર આવી રહી હતી તેની કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાતા બ્લોચ પરિવારની કાર ઉપર ચડી ગઈ હતી. આ રીતે કારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઈવર બ્લોચ સાહેલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સિવાય ફતેહખાન બલોચ એ GJ 1 w 6957 નંબરની ગાડીના ચાલક સામે નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ રીતે બ્લોચ પરિવારમાં મહિલાનું મોત થતા બ્લોચ પરિવારમાં ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો છે.