CrimeGujaratNews

ડીસામાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળાના આચાર્યને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી

ડીસા તાલુકાની એક શાળામાં ચાર વર્ષ અગાઉ શાળાના આચાર્ય દ્વારા 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી. જ્યારે હવે બાબતને લઈને સમાચાર સામે આવ્યા છે કે, આ ગુનામાં ડીસાના એડિશનલ સેશન્સ જજ દ્વારા આચાર્યને પાંચ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પોતે શાળાના આચાર્ય દ્વારા જ દીકરી સમાન વિદ્યાર્થિની સાથે બળજબરી કરી નૈતિક અધઃપતનના આ બનાવની ચોમેર ટીકા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી જો દંડની રકમ ન ભરે તો તેને વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે.

આ બાબતની વિગત એવી છે કે, ચારેક વર્ષ અગાઉ ડીસા તાલુકાની એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવનાર લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમાર દ્વારા શાળાની 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી બીભત્સ વર્તન કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને અવારનવાર બહાર લઈ જવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાયત તારીખ 14 ઓગસ્ટ, 2017 ના રોજ બ્રેક દરમિયાન આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને એકલા ઓફિસમાં બોલાવવામાં આવી હતી. આ દરમિયાન નરાધમ આચાર્યએ વિદ્યાર્થિનીને પકડીને બળજબરી પૂર્વક ચુંબન પણ કર્યું હતું. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા આચાર્યએ તેને લાફો મારી દીધો હતો અને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી દીધી હતી.

જ્યારે આ અંગે વિદ્યાર્થિની દ્વારા ઘરે આવીને પોતાના માતાપિતાને આ વાત કરી તો પરિવાર દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આચાર્ય સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં યોગ્ય તપાસ કરતા આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા આ ગુનામાં ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

જે કેસ ડીસાની બીજા એડિશનલ સેશન્સ જજ બી. જી. દવેની કોર્ટમાં ચાલ્યો જતા સરકારી વકીલ નીલમબેન વકીલ તરફથી સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચારના કેસમાં આરોપીને વધુને વધુ સજા થાય તેવી ભારપૂર્વક દલીલો કરાઈ હતી.

કોર્ટ દ્વારા આ દલીલોને ધ્યાનમાં રાખવામાં આવી હતી અને આરોપી આચાર્ય લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારને ઈપીકો કલમ 354, 323, 294 ખ અને પોક્સો એક્ટની કલમ 10 અને 12 ના ગુનામાં કસુરવાર ઠેરવતા આરોપી આચાર્યને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે જ કોર્ટ દ્વારા રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker