1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. મોગલ બાદશાહ બાબરે આ મસ્જિદ બનાવી હોવાથી તેનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવ્યું હતું.અયોધ્યાની બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદમાં ગુરુવારનો દિવસ ખૂબ મહત્વપર્ણ રહ્યો. સુપ્રીમ કોર્ટ આજે એ વાત પર નિર્ણય સંભળાવ્યો કે શું મસ્જિદમાં નમાઝ પઢવી એ ઇસ્લામનો અભિન્ન અંગ છે કે નહીં? ખૂબ લાંબા સમયથી આ ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. 26 વર્ષ પહેલા એટલે કે છઠ્ઠી ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. પરંતુ બાબરી તોડ્યાને વર્ષો પહેલાથી આ વિવાદ ચાલતો આવ્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટે મોટી બંધારણીય બેંચ સમક્ષ મોકલવાનો ઇન્કાર કરી દીધો છે.
2010માં અલાહાબાદ હાઇકોર્ટે ચુકાદો આપતા વિવાદિત જમીનને ત્રણેય પક્ષકારો વચ્ચે સરખા ભાગે જમીન વહેંચી દીધી હતી. આ કેસના ત્રણ પક્ષકારોને વિવાદિત જમીન સરખાભાગે વહેંચવામાં આવી છે. જેમાં નિર્મોહી અખાડો, રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડનો સમાવેશ થાય છે. નિર્મોહી અખાડાને રામ ચબૂતરો અને સીતા રસોઇવાળી જગ્યા ફાળવવામાં આવી છે. રામલલા વિરાજમાનને રામલલ્લાની મૂર્તિવાળી જગ્યા આપવામાં આવી છે, જ્યારે સુન્ની વક્ફ બોર્ડને વિવાદિત જમીનના ત્રણ ભાગમાંથી એક ભાગ આપવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ-બાબરી વિવાદની ટાઈમ-લાઈન:
- 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. મોગલ રાજા બાબરે આ મસ્જિદ બનાવી હતી આથી તેનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવ્યું હતું.
- 1853માં હિન્દુઓએ આરોપ લગાવ્યો કે ભગવાન રામનું મંદિર તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વાતને લઈને હિન્દુ-મુસ્લિમોમાં તોફાન થયા હતા.
- 1859માં બ્રિટિશ સરકારે તારથી વાડ બનાવીને વિવાદિત જમીનની અંદરના અને બહારના પરિસરમાં મુસ્લિમો અને હિન્દુઓને અલગ અલગ પ્રાર્થના કરવા માટે પરવાનગી આપી દીધી હતી.
- 1885માં કેસ પ્રથમવાર કોર્ટમાં પહોંચ્યો હતો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બાબરી મસ્જિદની બાજુમાં એક રામ મંદિરનું નિર્માણ કરવા માટે અરજી કરી હતી.
- 1959માં નિર્મોહી અખાડા દ્વારા વિવાદિત સ્થળના સ્થળાંતર માટે અરજી દાખલ કરવામાં આવી. ત્યાર બાદ 1961માં યુપી સુન્ની વક્ફ બોર્ડે બાબરી મસ્જિદ સ્થળ પર કબજા માટે અપીલ કરી હતી.
- 1986માં વિવાદિત સ્થળને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. 1986માં જ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરવામાં આવી.
- 1990માં લાલકૃષ્ણ અડવાણીએ દેશભરમાં રથયાત્રા શરૂ કરી. 1991માં રથયાત્રાની લહેરથી યુપીમાં બીજેપી સત્તામાં આવી. આ જ વર્ષે મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ઇંટો મોકલવામાં આવી.
- 6 ડિસેમ્બર, 1992: હજારો કાર સેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદને તોડી પાડી. ત્યાર બાદ કોમી દંગા થયા. પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ફાયરિંગમાં અનેક લોકોનાં મોત થયા. એક અસ્થાયી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવે મસ્જિદના પુનઃનિર્માણનું વચન આપ્યું.
- 16 ડિસેમ્બર 1992: બાબરી મસ્જિદ વિધ્વંસ માટે જવાબદાર પરિસ્થિતિની તપાસ માટે એમ.એસ. લિબ્રહાન આયોગની રચના કરવામાં આવે.
- 1994: અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે બાબરી મસ્જિદ વિધ્વંસ સંબંધિત કેસ ચલાવવાની શરૂઆત કરી.
- 4 મે 2001: સ્પેશલ જજ એસ.કે શુક્લાએ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 13 લોકોને ષડયંત્રના આરોપમાંથી હટાવી દીધા.
- 1 જાન્યુઆરી 2002: તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક અયોધ્યા વિભાગ શરૂ કર્યો. તેનું કામ વિવાદના સમાધાન માટે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વાતચીત કરવાનું હતું.
- 1 એપ્રિલ 2002: અયોધ્યામાં વિવાદિત સ્થળ પર માલિકી હક્કને લઈને અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ જજોની બેંચે સુનાવણી શરી કરી.
- 5 માર્ચ 2003: અલાહાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને અયોધ્યામાં ખોદકામની મંજૂરી આપી, જેનાથી મંદિર કે મસ્જિદના પુરાવા મળી શકે.
- 22 ઓગસ્ટ 2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. એમાં કહેવામાં આવ્યું કે, મસ્જિદ નીચેથી 10મી સદીના મંદિરના અવશેષના પુરાવા મળ્યા છે. મુસ્લિમોમાં તેને લઈને અલગ-અલગ મત હતા. આ રિપોર્ટના વિરુદ્ધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અપીલ કરી.
- સપ્ટેમ્બર 2003: એક કોર્ટે ફેંસલો આપ્યો કે મસ્જિદને તોડી પાડવા માટે લોકોને ઉશ્કેરનાર સાત હિન્દુ નેતાઓને સુનાવણી માટે બોલાવવામાં આવે. જુલાઈ 2009: લિબ્રહાન આયોગે પોતાની રચનાના 17 વર્ષ પછી વડાપ્રધાન મનમોહનસિંઘને પોતાનો રિપોર્ટ સોંપ્યો.
- 26 જુલાઈ 2010: આ કેસની સુનાવણી કરી રહેલી અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે નિર્ણય સુરક્ષિત રાખ્યો તેમજ તમામ પક્ષકારોને અરસ-પરસ મળીને સમષ્યાનું સમાધાન લાવવાનું કહ્યું. જોકે, આ માટે કોઈ આગળ આવ્યું ન હતું.
- 28 સપ્ટેમ્બર 2010: સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને વિવાદિત મામલામાં ફેંસલો આપતા રોકવાની અરજી રદ કરતા ચુકાદા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.
- 30 સપ્ટેમ્બર 2010: અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો. જે અંતર્ગત વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી. એમાંથી એક હિસ્સો રામ મંદિર, બીજો સુન્ની વક્ફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાના ભાગમાં આવ્યો.
- 9 મે 2011: સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ફેંસલા પર રોક લગાવી. 21 માર્ચ 2017: સુપ્રીમે પરસ્પર વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવાની વાત કરી.
- 19 એપ્રિલ 2017: સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત બીજેપી અને આરએસએસના અનેક નેતાઓને સામે ગુનાહિત કેસ ચલાવવાનો આદેશ કર્યો.
- 9 નવેમ્બર 2017: ઉત્તર પ્રદેશના મુખ્યંમંત્રી યોગી આદિત્યનાથ સાથે શિયા વક્ફ બોર્ડને ચેરમેન વસીમ રિઝવીએ નિવેદન કર્યું. રિઝવીએ નિવેદન આપ્યું કે અયોધ્યામાં વિવાદિત જગ્યાએ રામ મંદિર બનવું જોઈએ. મસ્જિદનું નિર્માણ અન્ય જગ્યાએ કરવામાં આવે.
- 16 નવેમ્બર 2017: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો. તેમણે તમામ પક્ષકારો સાથે મુલાકાત કરી.