16 વર્ષની ઉંમર અભ્યાસની અને ભવિષ્યના સપનાઓની હોય છે. પરંતુ આ ઉંમરે દિવ્યાંક અને ભાવિન તુરાખીયાએ પિતા પાસેથી 20 હજાર ઉધાર લઇને બિઝનેસની શરૂઆત કરી. આ બિઝનેસને એટલી સફળતા મળી કે, આજે તેની કિંમત હજારો કરોડમાં છે. ચીનની કંપનીએ તેમના બિઝનેસને 6 હજાર કરોડ રૂપિયા એટલે કે, (90 કરોડ ડોલર)માં ખરીદી લીધો. અહીં જાણો, નાની ઉંમરે જ એડ-ટેક સ્ટાર્ટઅપ મીડિયા ડોટ નેટ (media.net)ની શરૂઆત કરનારા બે ગુજરાતી ભાઇઓની સફળતા અંગે.
મૂળ ગુજરાતી પણ ઉછેર થયો મુંબઇમાં
– તુરખીયા પરિવારના બે ભાઇઓ ભાવિન અને દિવ્યાંક મૂળ ગુજરાતના ભાવનગર શહેરના છે પરંતુ માતાપિતા પહેલેથી જ મુંબઇમાં સ્થાયી થયેલા છે. એટલે ભાવિન અને દિવ્યાંક મુંબઇગરા ગુજરાતી છે તેવું કહી શકાય.
– ગુજરાતીઓના લોહીમાં હોય છે તેમ બિઝનેસની સમજ આ ભાઇઓને ઘરઆંગણે જ મળી. તેમના પિતા મહેન્દ્ર તુરાખીયા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે પૈસાનો હિસાબ અને મેનેજમેન્ટનું ડીએનએ મળી ગયું.
– ભાવિનનો જન્મ 1979માં મુંબઇમાં અને દિવ્યાંક 1982માં ભાવનગરમાં જન્મ થયો હતો.
– બાળપણથી જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગના શોખીન દિવ્યાંકે માત્ર 13 વર્ષની ઉંમરે જ ભાઇ સાથે મળીને સ્ટોક માર્કેટની કિંમતો પર નજર રાખવા માટે એક સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી.
– કોડિંગ પર પકડ જમાવ્યા બાદ તેઓએ પોતાનો કારોબાર શરૂ કરવાની યોજના બનાવી, જેમાં સૌથી મોટી અડચણ રોકાણને લઇને હતી.
પિતા પાસેથી લીધા 20,000 ઉધાર
– કંપનીની સફળતામાં દિવ્યાંક તુરાખીયાના મોટાંભાઇ ભાવિન તુરાખીયાની પણ મહત્વની ભૂમિકા રહી. બંનેએ મળીને વર્ષ 1998માં જ્યારે કંપનીની શરૂઆત કરી તો તેઓની ઉંમર 18 અને 16 વર્ષ હતી.
– આ બંનેએ પિતાના ઘરેથી જ વેબ હોસ્ટિંગ બિઝનેસ તરીકે ડાયરેક્ટીની સ્થાપના કરી.
– દિવ્યાંકે સીએનબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, આ કંપની માટે તેઓએ પિતા પાસેથી અંદાજિત 20 હજાર રૂપિયા ઉધાર લીધા, જેનું રેવન્યુ ચાર વર્ષની અંદર જ 10 લાખ ડોલર થઇ.
– ત્યારબાદ આ જ કંપનીના બેનર હેઠળ ‘બિગરોક’નો જન્મ થયો. 2010માં બંને ભાઇઓએ એક સોફ્ટવેર બનાવ્યું. ડાયરેક્ટી બેનર હેઠળ અત્યાર સુધી કુલ 11 સ્ટાર્ટઅપ શરૂ થઇ ચૂક્યા છે.
– ત્રણ વર્ષ પહેલાં તુરાખીયા અને તેના ભાઇએ એન્ડ્યુરન્સ ઇન્ટરનેશનલને 1000 કરોડમાં ચાર બ્રાન્ડ્સ વેચી હતી.
2016માં બન્યા સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ
– સતત બે દાયકાઓની મહેનત બાદ પોતાના દમ પર ઉભી કરેલી આ કંપનીના કારણે જ તુરાખીયા 2016માં ભારતના સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગયા હતા.
– તેઓએ ચીનની કંપની બીજિંગ મિટેનો કોમ્યુનિકેશનને પોતાની કંપની વેચીને આ ઉપલબ્ધિ મેળવી હતી. એક સમયે કંપનીની વાર્ષિક રેવન્યુ 25 કરોડ ડોલર સુધી પહોંચી ગઇ હતી.
પિતા પાસેથી મળી એક શીખ
– દિવ્યાંકે કહ્યું કે, પિતાએ અમને આટલી રકમ આપતી વખતે એક સવાલ સુદ્ધાં નથી પૂછ્યો.
– તેઓએ કહ્યું કે, તમે જે પણ કરી રહ્યા છો તે કામ સફળ પણ થઇ શકો છો અને નિષ્ફળ પણ! કોઇ વાંધો નહીં, તમે કોશિશ કરતાં રહો. કારણ કે, નિષ્ફળ પણ રહ્યા તો કંઇક શીખવા મળશે.
– બંને ભાઇઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી નહીં હોવા છતાં પણ તેઓ સારા કોડર છે. આ ભાઇઓએ પોતાના દમ પર કોઇની સહાયતા વગર આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યુ.
– આજે તુરાખીયા ભાઇઓને ફર્સ્ટ ઇન્ટરનેટના આન્ત્રપ્રિન્યોર માનવામાં આવે છે