દિવાળીમાં અંબાજી મંદિરમાં થયો દાનનો વરસાદ, આ વર્ષે ભક્તોએ દિલ ખોલીને આપ્યું દાન

દિવાળીના પવિત્ર પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શન માટે જતાં હોય છે. ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દિવાળી દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી આવી હતી. એકમથી પાંચમ સુધી રાત્રીના 11 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રખાયું હતું. જ્યારે આ તહેવારો દરમિયાન આવેલા ભક્તો દ્વારા દિલ ખોલીને મા અંબાના ચરણોમાં ચડાવો મુકવામાં આવ્યો હતો. જેના લીધે અંબાજી મંદિરનો ભંડાર છલકાઈ આવ્યો છે.

જ્યારે અંબાજીના ભંડારાની વાત કરવામાં આવે તો કુલ 67,19,935 રૂપિયાની આવક થઈ ગઈ છે. જેમાં ભેટ કાઉન્ટરમાં 22,61,001 રૂપિયા આવક થઈ હતી. માતાજીની ગાદી પર 6,56,701 રૂપિયા, સોનું 199 ગ્રામ, ચાંદી 2032 ગ્રામ, સાડીની આવક 1097 નંગ થઈ હતી. તેની સાથે સાડી વેચાણ 973 નંગ, પ્રસાદીના નાના 1,86,641 પેકેટ વેચાયા, પ્રસાદીના મીડિયમ પેકેટ 54,241 અને પ્રસાદીના મોટા 22,018 પેકેટ વેચાણ થયું હતું. ભંડારામાં થયેલી આવકની ગણતરી ગઈ કાલના કરવામાં આવી હતી.

તેની સાથે મહત્વની વાત એ છે કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા પ્રોટોકોલ સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી હતી. જેના લીધે અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવ્યો હતો. દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરીમાં 70 થી 80 લોકોનો સ્ટાફ જોડાયો હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે છૂટછાટ મળતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોને આરતીમાં પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 5 નવેમ્બરના બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યાના મંગળા આરતી શરુ થઈ હતી. જ્યારે અંબાજી મંદિર રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે તહેવારોની દરમિયાન ભક્તો દ્વારા દિલ ખોલીને માતાજીના ચરણોમાં ભેટ અર્પણ કરવામાં આવી હતી.

Scroll to Top