રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં મહિલા તબીબ પર તેના સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યાના પ્રકરણમાં નવો ધડાકો થયો હતો. વોર્ડમાં મહિલા તબીબ નિંદ્રાધીન હતા ત્યારે ડોક્ટરે ત્યાં જઇ અડપલાં શરૂ કર્યા હતા અને મહિલા તબીબ જાગીને ભાગવા જતાં તેને પછાડી ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. ડોક્ટરના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને જેલહવાલે કર્યો હતો.
તું મને ખૂબ જ ગમે છે, મારે તારી સાથે રિલેશનશિપ રાખવી છે તેવું ડોક્ટરે કહ્યું હતું
રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જિકલમાં અભ્યાસ કરતાં મહિલા ડોક્ટરે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તેના સિનિયર ડોક્ટર સચિનસિંઘ સંતોષકુમારસિંઘ (ઉ.વ.28) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતે સર્જિકલ વોર્ડમાં પ્રેક્ટિસમાં હતા ત્યારે બે વખત ડોક્ટર સચિનસિંઘે ‘તું મને ખૂબ જ ગમે છે, મારે તારી સાથે રિલેશનશિપ રાખવી છે’તેવું કહ્યું હતું. મહિલા તબીબે પોતાને આવી કોઇ વાતમાં રસ નથી અને માત્ર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું છે તેવું જણાવી બીજીવખત આવી વાતો નહીં કરવા પણ ચીમકી આપી દીધી હતી.
વાંરવાર હેરેસમેન્ટ કરતો
આમ છતાં ડો.સચિનસિંઘ સુધર્યો નહોતો અને વાંરવાર હેરેસમેન્ટ કરતો હતો. ગત તા.31ના રાત્રે 3 વાગ્યે મહિલા તબીબ ફિમેલ વોર્ડના રેસિડેન્ટ રૂમમાં આરામ કરવા ગયા હતા ત્યારે થોડી જ વારમાં ડો.સચિનસિંઘ રૂમમાં ઘૂસી ગયો હતો અને અડપલાં શરૂ કર્યા હતા. અડપલાં થતાં મહિલા તબીબ જાગી ગયા હતા અને ઊભા થઇને ભાગતા ડો.સિંઘે તેમને પછાડી દીધા હતા.
મહિલા તબીબે બૂમો પાડવાની કોશિશ કરતાં ડોક્ટરે તેમને મોઢે ડૂમો દઇ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ડો.સિંઘે ધમકી આપી હતી કે, જો કોઇને આ વાત કરીશ તો તારું કેરિયર ખતમ કરી નાખીશ અને જાનથી મારી નાખીશ.પ્ર.નગરના પીઆઇ કાતરિયા સહિતના સ્ટાફે ડો.સિંઘની શનિવારે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે રિમાન્ડ પૂરા થતાં ડો.સિંઘને જેલહવાલે કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી.
ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મનો મામલો મેડિકલ કોલેજના વડા પાસે પહોંચતા ડો.સિંઘને આઠમના દિવસે જ સસ્પેન્ડ કરી દીધો હતો. ઘટના બાદ ગભરાઇ ગયેલા મહિલા તબીબ તેના પિતાના ઘરે જતા રહ્યા હતા. શનિવારે મહિલા તબીબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એક સાયકોલોજિસ્ટ અને મહિલા પીએસઆઇ દ્વારા છ કલાક સુધી મહિલા તબીબનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ કમિશનરના સધિયારા બાદ મહિલા તબીબ ફરિયાદ માટે તૈયાર થયા હતા.
દુષ્કર્મની ઘટના કોલેજના વડાઓ સુધી પહોંચતાં જ ડો.સચિનસિંઘને પોતાના પાપનો ઘડો ફૂટી ગયાની જાણ થઇ ગઇ હતી અને ભવિષ્યમાં પોલીસ ફરિયાદ પણ થશે તેવી આશંકાએ ડો.સિંઘે પોતાના મોબાઇલના તમામ મેસેજ ડિલીટ કરી નાખ્યા હતા. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, ડોક્ટર સિંઘનો મોબાઇલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.