રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક એવું કર્યું કે વ્હાઈટ હાઉસનું જ ટોઈલેટ જામ થઈ ગયું. હવે તે બાબતને લઈને હોબાળો મચી ગયો છે અને ટ્રમ્પ સામે તપાસની માંગ થઈ રહી છે. વાસ્તવમાં, ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફ્લશ કરવાનો આરોપ છે. તેમણે એટલા બધા પેપર્સ ફ્લશ કર્યા કે તે એક વખત વ્હાઇટ હાઉસના ટોઇલેટ જ બ્લોક થઇ ગયું.
સત્તાવાર દસ્તાવેજો ફ્લોરિડામાં મોકલવામાં આવ્યા હતા?
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ઘણી વખત પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ આ વખતે મામલો રાષ્ટ્રીય આર્કાઇવ સાથે સંબંધિત છે, જે રાષ્ટ્રપતિના રેકોર્ડને સંભાળે છે. હવે નેશનલ આર્કાઈવ ઈચ્છે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની પેપર ફાડવાની ટેવની અન્ય બાબતોની સાથે તપાસ કરવામાં આવે. ટ્રમ્પ પર ફ્લોરિડામાં સત્તાવાર દસ્તાવેજો મોકલવાનો પણ આરોપ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ આર્કાઈવ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદ વ્હાઈટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પ પોતાની સાથે કાગળોથી ભરેલા 15 બોક્સ લઈને ગયા હતા. તેઓ ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાંથી મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે કરવામાં આવેલ પત્રવ્યવહારનો પણ સમાવેશ થાય છે.
પ્રેસિડેન્શિયલ રેકોર્ડ્સ એક્ટ (PRA) 1978માં વોટરગેટ કૌભાંડના દસ્તાવેજો સામે આવ્યા બાદ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ, યુએસ પ્રમુખોએ તમામ ઈમેલ, પત્રો અને અન્ય કાર્યકારી દસ્તાવેજો નેશનલ આર્કાઈવમાં ટ્રાન્સફર કરવા જરૂરી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમ ન કર્યું અને આ રીતે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે હવે તેમની સામે તપાસની માંગ ઉઠી છે.
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની પત્રકાર મેગી હેબરમેને તેના આગામી પુસ્તક ‘કોન્ફિડન્સ મેન’માં આ બાબતને વિસ્તૃત રીતે જણાવી છે. પુસ્તક અનુસાર, વ્હાઇટ હાઉસના સ્ટાફે જોયું કે કાગળના કારણે ટોઇલેટ ભરાયેલું હતું, ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે ટ્રમ્પે દસ્તાવેજો ફ્લશ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, ‘મારા વિશે જે કંઈ બતાવવામાં આવ્યું છે અથવા કહેવામાં આવ્યું છે તે ફેક ન્યૂઝ છે. જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે નેશનલ આર્કાઈવ સાથે મારો ઘણો સારો સંબંધ હતો. અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો.