રાજ્યમાં કોરોનાનો કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જ્યાં બીજી તરફ લોકો એકત્ર ન થાય તે માટે તંત્ર અને સરકાર દ્વારા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠાનાં પ્રાંતિજના લાલપુર ગામે કોરોના કાબુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇને હવન પૂજા કરતા જોવા મળ્યા છે. આ બાબતમાં પ્રાંતિજ પોલીસે 100 થી વધુ લોકો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય 58 લોકોની ધરપકડ પણ કરાઈ છે.
સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકાના લાલપુર ગામમાં કોરોના વાયરસ સામે સુરક્ષા મેળવવા માટે હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઢોલ ત્રાંસા તથા માથા પર પાણીનાં બેડા લઇને ભેગા થયેલા હતા. ગામનાં સ્થાનિકોએ ભેગા થઈ હવનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેના વીડિયો અનેક વાયરલ થયા છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગામનાં લોકો ઢોલ અને ત્રાસ વગાડતા એક રસ્તા પરથી ચાલી રહ્યાં છે. પહેલા મોટી સંખ્યામાં પુરુષો જોવા મળે છે. જેમાં થોડા પુરુષોનાં હાથમાં એક કાપડ ઢાંકેલી થાળી પણ જોવા મળે છે. તેની પાછળ મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકીઓ જોવા મળી રહી છે. તેમના માથા પર પાણીનાં બેડા જોવા મળી રહ્યાં છે અને કેટલીક છોકરીઓના હાથમાં ઢાંકેલી થાળી પણ દેખાઈ રહી છે.
મોટી સંખ્યામાં એકસાથે જઇ રહેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન કરતા જોવા મળી રહ્યા નથી. તેની સાથે મોટાભાગનાં લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. જ્યારે આ વીડિયો જોઇને પ્રશ્ન થાય છે કે, આ લોકો કોરોનાથી સુરક્ષા મેળવવા જાય છે કે, કોરોનાને વધારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં કોરોનાકાળ દરમિયાન ચાલુ મે મહિનાના 21 દિવસમાં જિલ્લામાં કોરોનાનો આતંક જોવા મળ્યો છે. આ મહિનાનાં ત્રણ સપ્તાહમાં 2348 નવા કેસ સામે આવ્યા હતા. તેમ છતાં સારા સમાચાર એ છે કે, આ ત્રણ અઠવાડિયા દરમિયાન 2143 દર્દીઓ સજા થયા છે. સરકારી રેકોર્ડમાં મે-2021 ના પ્રથમ 21 દિવસમાં સૌથી વધુ 57 લોકોના મોત થયા છે.