પાલનપુરના ગઢ મડાણા ગામ પાસે એક ઈકો કારચાલકનો આતંક જોવા મળ્યો હતો. ઇકો કારચાલક દ્વારા 3 અલગ-અલગ જગ્યા પર 7 લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત સર્જ્યા બાદ ઈકોનો ડ્રાઈવર કાર મુકીને નાસી છુટ્યો હતો. જ્યારે બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા ફરાર ડ્રાઈવરને શોધવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત રીપોર્ટ અનુસાર, ગઢ મડાણા રોડ પર મંગળવારની મોડી રાત્રીના ઇકો કારચાલક દ્વારા બેફામ ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કારચાલક ગાડી મુકીને ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવને લીધે આજુબાજુના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ગઢ અને પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઢ મડાણા ગામમાં દશામાના વ્રતનું જાગરણ હોવાના કારણે પગપાળા યાત્રિકો ગઢ દશામાના મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ઇકો કાર ચાલક દ્વારા પદયાત્રા જતા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરસિંહ સોલંકી સહિત બે યુવકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ગઢ પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.