મેઘાલાય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચાલુ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય રાજ્યોની તારીખો જાહેર કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર એકે જોતીએ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતાં જણાવ્યું કે, ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ ત્રણેય રાજ્યોના પરિણામ 3 માર્ચના રોજ જાહેર થશે. ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 20 લાખ રૂપિયા રહેશે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં VVPAT સાથે ચૂંટણી કરાવવામાં આવશે. ત્રણ રાજ્યોમાં આજથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે પણ આચાર સંહિતાનું પાલન કરવું પડશે.
મેઘાલયમાં વિધાનસભાની 60 સીટો છે. હાલ અહીંયા કોંગ્રેસ સરકાર છે. કોંગ્રેસ, બીજેપી અને એનપીપી વચ્ચે અહીંયા મુખ્ય જંગ જામશે. 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અહીંયા ખાતુ પણ ખોલી શકી નહોતી. તે સમયે 13 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો.
નાગાલેન્ડમાં વિધાનસભાની 60 સીટો છે. અહીંયા વર્ષ 2003થી નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટની સરકાર છે. એનપીએફ, એનડીએની સહયોગી પાર્ટી છે. અહીંયા એનપીએફ-બીજેપીની લડાઇ કોંગ્રેસ સાથે છે. ટી આર જેલિયાંગ રાજ્યના સીએમ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એનપીએફને 60માંથી 38 સીટ મળી હતી.
ત્રિપુરામાં પણ વિધાનસભાની 60 સીટ છે. અહીંયા હાલ ડાબેરી સરકાર છે. 199ગ8થી રાજ્યમાં માણિક સરકાર મુખ્યમંત્રી છે. માણિક સરકાર તેમના પગારનો કેટલોક હિસ્સો પાર્ટીને પણ આપે છે.
કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં પણ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીવાળા 8 રાજ્યો પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડમાં એનડીએ સરકાર છે. જ્યારે કર્ણાટક, મિઝોરમ અને મેઘાલયમાં કોંગ્રેસ સરકાર છે.