દેશના પાંચ રાજ્યોમાં જાહેર કરવામાં આવેલી વિધાનસભાની ચૂંટણી બાદ કરવામાં આવેલો સર્વે કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવી છે. ત્યારે ભાજપની મુશ્કેલી વધી શકે છે. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સત્તા ગુમાવી શકે છે. આ ત્રણેય રાજ્યમાં ભાજપ છેલ્લા ઘણા સમયથી સત્તામાં રહી છે. સર્વે મુજબ ત્રણેય રાજ્યમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે.
સર્વેમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છત્તિસગઢમાં ભાજપને નુકસાન થઈ શકે છે. છત્તીસગઢની 90 બેઠકમાંથી કોંગ્રેસને 47 અને ભાજપને 40 બેઠક મળી શકે છે. સર્વે મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે. મહત્વનું છે કે, છત્તીસગઢમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનું શાસન છે. 90 બેઠક ધરાવતી વિધાનસભાની બેઠકમાં ભાજપે હમેશા જીત મેળવી છે. 2008માં ભાજપને 50 બેઠક તો કોંગ્રેસને 38 બેઠક મળી હતી. 2013માં ભાજપને 49 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 39 બેઠક મળી હતી.
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગી શકે છે. 230 બેઠક ધરાવતી વિધાનસભામાંમાં કોંગ્રેસને 122 બેઠક તો ભાજપને 108 બેઠક મળી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસની મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ ઘર વાપસી થશે. કેમ કે, મધ્ય પ્રદેશમાં 2003 બાદ કોંગ્રેસને સત્તા મળી નથી. મધ્ય પ્રદેશમમાં શિવરાજસિંહ ચૌહાણ છેલ્લા ત્રણ ટર્મથી સત્તાની કમાન સંભાળી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સત્તા હાસલ કરવા માટે છેલ્લા 15 વર્ષથી એડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ભાજપ માટે ચૂંટણી લડવા માટે કોઈ મુદો નથી.
રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સારી બેઠક સાથે વાપસી કરી શકે છે. 200 બેઠક ધરાવતી રાજસ્થાન વિધાનભામાં કોગ્રેસને 50 ટકા તો ભાજપને 34 ટકા મત મળી શકે છે. ચૂંટણીમાં કોંગ્રેસને 142 અને ભાજપને 56 બેઠક મળી શકે છે. હમેશાની જેમ રાજસ્થાનની જનતાનો મૂડ હમેશા કોઈ એક રાજકીય પાર્ટી તરફ રહ્યો નથી. 1998 બાદ સતત રાજસ્થાનમાં સત્તા પરિવર્તન આવ્યુ છે. 1198માં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. 2003માં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી હતી. 2003માં ભાજપને 120 બેઠક મેળવી હતી. 2008માં જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. 2008માં કોંગ્રેસને 96 તો ભાજપને 78 બેઠક મળી હતી. જ્યારે 2013માં ભાજપ ફરીવાર વાર સત્તામાં આવી હતી.