આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, સાંજે 5 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત રવિવારે થઈ શકે છે. ઈલેક્શન કમિશન સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. શક્ય છે કે ઇલેક્શન કમિશન તેમાં તારીખોની જાહેરાત કરી દેશે. જો આજે તારીખોની જાહેરાત થશે તો આજથી જ આચારસંહિતા લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી.

હાલનો લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આગામી અઠવાડિયે પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે સુપરવાઈઝર્સની બેઠક પણ થઈ શકે છે. જો આજે ચૂંટણીની તારીખોની જાહેરાત થાય છે તો સરકાર કોઈ નવી જાહેરાત કરી શકશે નહીં. આ પછી રાજકીય પાર્ટીઓ આવનારા સમયમાં સત્તામાં આવશે તો પ્રજાને કેવા લાભ આપશે તે વિશેના પ્રચારની શરુઆત થઈ જશે. નોંધનીય છે કે, ચૂંટણીની જાહેરાત નથી થઈ છતાં દેશમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા પ્રજાને રિઝવવાની શરુઆત કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કાની ચૂંટણીની શરુઆત માર્ચના અંત સુધીમાં થઈ શકે છે, અને તેના માટે મતદાન એપ્રિલના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે. મેના ત્રીજા અઠવાડિયામાં મતગણતરી પણ કરવામાં આવી શકે છે. સંપૂર્ણ સંભાવનાઓ છે કે, ચૂંટણીપંચ જૂની પરંપરા મુજબ જ આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવી શકે છે.

આ પહેલા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ડો. એસ વાઇ કુરૈશીએ ટ્વિટર પર એક આંકડો શેર કર્યો છે. આ આંકડા મુજબ, 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસૂચના 2 માર્ચ અને 2014માં અધિસૂચના 5 માર્ચે જાહેર કરવામાં આવી હતી. એવામાં આ વખતે ઇલેક્શન કમિશને અધિસૂચના જાહેર કરવામાં મોડું કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here