લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારી શરૂ કરી દેવામા આવી છે. જોકે લોકસભા પહેલા રાજસ્થાન, મઘ્યપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પણ ચૂંટણીઓ થવાની છે. ત્યારે તેનો એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને સીધી જવાબદારી સોપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપનો ભગવો લહેરાયો છે. એ વાત અલગ છે કે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર હતી. જોકે ફરી એક જીતનો તાજ ભાજપના જ શિરે ગયો ત્યારે આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને પણ સીધી જવાબદારી સોપવામાં આવી છે.
વાત સૌથી પહેલા જો પશ્ચિમ બંગાળની કરવામાં આવે તો કર્ણાટકની જેમ પશ્ચિમ બંગાળની પણ રાજનિતિક મૂવમેન્ટ પર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સીધી નજર રાખી રહ્યા છે. ત્યારે આ આગામી દિવસોમાં એક મહાયાત્રાનુ આયોજન કરવમાં આવશે. 15 થી વધુ દિવસ આ યાત્રા ચાલશે. જેના ઇન્ચાર્જ અમિત ઠાકરને બનાવવામાં આવ્યા છે ત્યારે સહઇન્ચાર્જ તરીકે પ્રદીપસિંહ વાઘેલા તથા પૃથ્વીરાજ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ભાજપને જીત માટે કપરા ચઢાણ ચઢવા પડે તેવી સ્થિતી છે. સુત્રો માની રહ્યાં છે આ બંને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં ચૂંટણી માટે ઉત્તર અને દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશ માટે મધ્ય અને દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઇ છે, ત્યારે જોવાનુ એ છે કે ભાજપને ગુજરાતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં ધાર્યુ પરિણામ મળશે કે નહીં. જે સોગઠાબાજીથી ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે એ ટેકનિકથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે કારગત રહેશે કે નહીં.