પોરબંદરના કમલેશ દેવજીભાઇ જુંગીની માલિકીની ક્રિષ્ના નામની માછીમારી કરતી બોટમાં સામાન્ય દેખાતા 2 કબૂતર શંકાસ્પદ રીતે બેસી ગયા હતા. આ કબૂતર ઉડાડવા ગયેલા એક માછીમાર નું ધ્યાન કબૂતરના પગમાં ગયું કે જ્યાં ચિપ ફિટ કરેલી હતી. આ મામલાની ગંભીરતાને પારખીને બોટમાં સવાર માછીમારોએ કબૂતરને ઉડાડી દેવાના બદલે પકડી લીધા હતા. અને ત્યારબાદ આ કબૂતરોની જોડીને પોલીસ સ્ટેશન એ સોંપી દીધા હતા.
પ્રાથમિક તપાસમાં આ બે કબૂતરની જોડી હોવાનું એટલે કે એક નર અને એક માદા કબૂતર હોવાનું સામે આવ્યું છે. કબૂતરના બંને પગમાં ઈલેક્ટ્રોનિક ચિપ ફિટ કરેલી હતી અને તેની પાંખો પર અલગ ભાષામાં કઈક મેસેજ લખેલો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હાલ આ ભાષાને ઉકેલી શકાઈ નથી. શકયતા છે કે આ કબૂતર દ્વારા કમ્યુનિકેશન સિસ્ટમ ઊભી થઈ શકે છે.
પોલીસે આ અંગે વધુ માહિતી મેળવવા માટે FSL વિભાગનો સંપર્ક કર્યો છે અને વધુ વિગતો FSL વિભાગની તપાસમાં સામે આવે તેવું જણાઇ રહ્યું છે. આ કબૂતરો મળી આવવાની ઘટનાને પગલે આરડીએકસના લેન્ડીંગ માટે કુખ્યાત બનેલા પોરબંદરના દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ થઇ રહી હોવાની આશંકા ઉભી થઇ છે. પોલીસ ને શંકા છે કે આવી રીતે ડ્રગ્સ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ ને વેગ આપવામાં આવી રહ્યો છે. આ ઘટના ને લઈને દરિયાકાંઠે સતર્કતા વધારી દેવામાં આવી છે.